અમદાવાદ : અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં દારૂની હેરાફેરી થતી હોય છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડે એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી નજીક ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.અને વટવામાં એક બંધ ચાની લારીમાંથી દારૂની બોટલો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પીસીબીની ટીમે બંને જગ્યાએથી કુલ 1034 વિદેશી દારૂની બોટલો ફુલ રૂ. 5.88 લાખની જપ્ત કરી છે. બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર આરોપીને શોધવા તજવીજ શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ, પીસીબી પીઆઇ જે.પી. જાડેજાની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વૈષ્ણોદેવી બ્રિજથી નિરમા બ્રિજ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 407 બોટલો મળી આવી હતી.પોલીસે આ મામલે કારમાં સવાર બે સગા ભાઈઓ દિલીપકુમાર ચૌહાણ અને સંજયકુમાર મુલચંદ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે 3,26,708 રૂપિયાની કિંમતનો દારૂ અને લક્ઝરી કાર સહિત કુલ 28,47,708 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બીજા એક ઓપરેશનમાં, વટવા GIDC પોલીસ સ્ટેશનની હદમાં વટવા જીઆઇડીસી વિસ્તારમાંથી બંધ ચાની લારીમાંથી પીસીબીની ટીમ દ્વારા દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અહીં પ્લોટ નંબર 251થી 244ની વચ્ચે આવેલી એક બંધ ચાની લારીની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લારીની અંદર છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી કુલ 627 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત 2,55,174 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વટવામાં પકડાયેલો દારૂનો જથ્થો લિસ્ટેડ બૂટલેગર ઉગ્રસેનસિંગ ઉર્ફે અજય રવિકરણસિંગ રાજપુત (રહે. ટંકાર રેસીડન્સી, વટવા) દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જોકે, પોલીસના દરોડાની જાણ થતા જ આરોપી અજય રાજપુત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ફરાર બૂટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને બંને કિસ્સામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


