અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં દુધના કેરેટ ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપી પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
રિપોર્ટ મુજબ, બે દિવસ પહેલા વહેલી સવારે, વસ્ત્રાપુર વિસ્તારમાં એનએફડી સર્કલ પાસે આવેલા એક બંગલોઝના મુખ્ય દરવાજેથી બે અલગ-અલગ દિવસોમાં દૂધના કેરેટની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે દૂધનું વિતરણ શરૂ થાય તે પૂર્વે જ અજાણ્યા શખસો આશરે 8 હજારની કિંમતનું દૂધ અને કેરેટ ચોરી જતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સર્વેલન્સ સ્કવોડને મળેલી બાતમીના આધારે પોલીસે બ્લુમ હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ મહંમદપમીન ઝાકીરહુસેન બાદશાહમિયા શેખ (ઉંમર 39, રહે. વેજલપુર) હોવાનું જણાવ્યું હતું.તપાસ દરમ્યાન આરોપી પાસેથી ચોરી કરાયેલા દુધના 6 કેરેટ, એક ઓટો રિક્ષા અને ઠંડા પાણીના 90 જેટલા જગ મળી આવ્યા હતા. પોલીસે કુલ અંદાજિત રૂપિયા 61,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીની ધરપકડ સાથે વસ્ત્રાપુર, સોલા અને સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સમાન પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેના વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ નોંધાયેલા છે.
આ સમગ્ર કાર્યવાહી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


