અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘી સ્પોર્ટ્સ બાઇકોની ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો હતો. આ મામલે મહત્વપૂર્ણ સફળતા મેળવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-1 એ આંતરરાજ્ય ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે.આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, ગર્લફ્રેન્ડને ફેરવવા અને શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરીને વેચી દેતા હતા. આરોપીની ધરપકડથી 12 ચોરીનો ભેદ ઉકેલાયો છે.
રિપોર્ટ મુજબ, ઝોન-1ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડાને બાતમી મળી હતી કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી સ્પોર્ટ્સ બાઇક ચોરી કરનાર ગેંગના આરોપી શહેરમાં બાઇક સાથે હાજર છે. જેના આધારે પોલીસે સુનિલકુમાર ગરાસિયા, કૈલાસ રોત અને વિજેશ નમોમા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પલ્સર, KTM, R15 સહિત 12 ચોરીના બાઇક મળી આવ્યા હતા.
આરોપી ગર્લ ફ્રેન્ડને ફેરવવા અને મોજશોખ પૂરા કરવા ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતા હતા કારણ કે તેની રીસેલ વેલ્યુ વધારે મળતી હતી. આરોપીઓ ડિસમિસ વડે ઝટકો મારીને બાઈકનું લોક તોડી દેતા હતા. પોલીસે આરોપી પાસે જ ચોરીનો ડેમો કરાવ્યો હતો જેમાં એક ઝાટકે લોક તોડી નાખ્યું હતું.
આ ગેંગ દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર, સોલા હાઈકોર્ટ, ઘાટલોડિયા, બોડકદેવ અને સાબરમતી વિસ્તારોમાં નોંધાયેલા કુલ 12 બાઇક ચોરીના ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેઓ અમદાવાદમાં ડિલિવરી બોય તેમજ હાઉસકીપિંગનું કામ કરતા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


