અમદાવાદ : શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. 14 વર્ષની સગીરાને ભગાડી જઈ તેની પર દુષ્કર્મ કરનાર આરોપીને મેડિકલ તપાસ બાદ જ્યારે પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યો, ત્યારે તે ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસકર્મીઓને ચકમો આપી નાસી છૂટ્યો હતો.
રિપોર્ટ મુજબ, વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરામાં રહેતી 14 વર્ષીય સગીરાને ત્રણ દિવસ પહેલા જ 23 વર્ષીય ભરત ડાભાણી ભગાડી ગયો હતો. સગીરાના પરિવારની ફરિયાદના આધારે વાડજ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને માહિતી મળી હતી કે બંને રાજસ્થાન તરફ ભાગ્યા છે. જે બાદ પોલીસની ટીમે ત્યાં પહોંચી આરોપી ભરતની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવી અમદાવાદ લાવ્યા હતા.
આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાથી તેની સામે પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. નિયમ મુજબ મોડીરાત્રે પોલીસ આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. વહેલી સવારે જ્યારે પોલીસની ગાડી આરોપીને લઈને વાડજ પોલીસ સ્ટેશન પરત આવી, ત્યારે ગાડીમાંથી ઉતરતી વખતે આરોપી ભરતે તકનો લાભ લીધો અને પોલીસકર્મીઓને ધક્કો મારીને અંધારામાં નાસી છૂટ્યો હતો.
વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગરાસિયાએ જણાવ્યું હતું કે, આરોપી ભરત ડાભાણી ધરપકડ બાદ મેડિકલ તપાસ કરાવી પરત લાવતી વખતે નાસી ગયો છે. આ મામલે બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે પણ તપાસ થઈ શકે છે. હાલ આરોપીને ફરીથી ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી છે.
પોક્સો જેવા ગંભીર ગુનાનો આરોપી પોલીસ સ્ટેશનના ઉંબરેથી જ ફરાર થઈ જતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વાડજ પોલીસે રામાપીરના ટેકરા અને સંભવિત આશ્રયસ્થાનો પર વોચ ગોઠવી છે.હાલમાં વાડજ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે અને શહેરભરમાં શોધવા માટે આદેશો આપવામાં આવ્યા છે.


