અમદાવાદ : અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ કેશવનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 4 હજાર રૂપિયાની ટ્યુશન ફી ગુમ થવાના ડરથી એક 17 વર્ષીય સગીરે પોતાના જ ઘરમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી.ભોગ બનનાર સગીરની માતાની ફરિયાદના આધારે રાણીપ પોલીસે આરોપી યુવક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, સુભાષબ્રિજના કેશવનગર વિસ્તારમાં આવેલી ચાલીમાં 17 વર્ષનો સગીર તેના પરિવાર સાથે રહે છે. ગત એપ્રિલ મહિનામાં સગીરની માતાએ તેના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના તિજોરીમાં જોતા ગાયબ થયેલા જોવા મળ્યા હતા. જેથી આ બાબતે સગીરની માતાએ ઘરમાં તેમના બાળકોને પૂછ્યું હતું.દાગીના ન મળતાં માતાએ પુત્રની કડકાઈથી પૂછપરછ કરી હતી, જેમાં પહેલાં તો તેણે ગોળગોળ જવાબો આપ્યા, પરંતુ અંતે મિત્રને ઘરેણાં આપ્યા હોવાની કબૂલાત કરી લીધી હતી. આ હકીકત જાણ્યા બાદ જ્યારે મહિલા દાગીના લેવા માટે મિત્રના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે રાજસ્થાન ભાગી ગયો છે. ત્યારબાદ ફોન પર વાત થતાં આરોપી મિત્રએ જણાવ્યું હતું કે તેણે દાગીના ગીરવે મૂકી દીધા છે, અને તે પરત લાવીને આપી દેશે.
જોકે, લાંબો સમય વીતી જવા છતાં આ કિંમતી ઘરેણાં પાછા ન મળતાં, અંતે છેતરાયેલી માતાએ રાણીપ પોલીસ મથકે મિત્ર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આરોપીને પકડવા માટે તપાસ ચલાવી રહી છે.


