અમદાવાદ : શહેરના સ્પીડ-વે ગણાતા એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં દિવસ-રાત બેફામ દોડતા મોતના ડમ્પરો નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે.એસ. જી. હાઈવે પર ગઈકાલે જાણે રોડ બેફામ સ્પીડે રોંગ સાઈડમાં ડિવાઈડર કૂદાવીને બીજા વાહનચાલકોના જીવ જોખમાય તેવી રીતે ડમ્પર ચલાવતા એક શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જે બાદ આ વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસને પણ ધ્યાનમાં આવ્યો હતો. આ પછી પોલીસે આ અંગે તપાસ કરીને બેફામ ડમ્પર ચલાવતા શખસની ઓળખ કરીને ખુદ ફરિયાદ કરીને તેની ધરપકડ કરી છે.
રિપોર્ટ મુજબ, ત્રીજી જૂનના રોજ શહેરના એસજી હાઈવે પર જગતપુર ચાર રસ્તા પાસેથી બેફામ સ્પીડે ડમ્પર ચલાવી પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે એક મહિલા કાર ચાલકને ટક્કર મારી હતી. ત્યારબાદ લોકોથી બચવા માટે પૂર ઝડપે એસ.જી હાઈવે પર ડમ્પર દોડાવ્યું હતું.લોકોએ પીછો કર્યો તો ડમ્પર ચાલકે એસ. જી હાઈવે પરના ડીવાઈડર કૂદાવીને ડમ્પર ચલાવ્યું હતું. ડમ્પરચાલક ભાગીને એક સાઇટ પર પહોંચી ગયો હતો.જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો અન્ય એક જાગૃત નાગરિકે તેના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.
આ વીડિયો અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આ પછી પોલીસે ચોથી જૂનના રોજ ફરિયાદ નોંધીને મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી અને હાલ ગાંધીનગરના દસક્રોઈ તાલુકામાં આંજણાશેઠના ગોડાઉનમાં રહેતા 26 વર્ષીય વેલારામ રામા કલાસુઆ નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે ડમ્પર પણ જપ્ત કર્યું છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


