અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ઝોન-1ની ટીમે સ્પોર્ટ્સ બાઈક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી પાડી ત્રણ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એલસીબી ઝોન-1ની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. ટીમને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે મોંઘીદાટ સ્પોર્ટસ બાઇકની ચોરી કરતો એક ઇસમ અમદાવાદમાં સક્રિય છે. બાતમીના આધારે પોલીસે નહેરૂનગર સર્કલ પાસે આવેલી હોટેલ સન શાઇન નજીક વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી યામાહા R15, KTM અને બજાજ પલ્સર જેવી સ્પોર્ટ્સ બાઇકો અંગે માહિતી મળી હતી. પોલીસે મણીનગર અને ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ત્રણ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે.
ઝડપાયેલા આરોપીની ઓળખ મુકેશ કાલુરામ મીણા તરીકે થઈ છે. તે હાલમાં નહેરુનગર વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા વિસ્તારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ રાજસ્થાનના સાબલા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 2.10 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં યામાહા R15 અને KTM બાઈકનો સમાવેશ થાય છે, જ્યારે એક પલ્સર બાઈક રાજસ્થાનના સાગવાડા ખાતે જમા હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર કામગીરીમાં એલસીબી ઝોન-1ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે.


