અમદાવાદ : અમદાવાદમાં મોડી રાતે માર્ગ અકસ્માતોની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ઇસ્કોન બ્રિજ પાસે બેકાબૂ બનેલી સ્વિફ્ટ ડિઝાયરે BMW સહિત ત્રણ કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. બીજી તરફ સાબરમતી વિસ્તારમાં અમદાવાદ ટ્રાફિક પોલીસના PSI ભરત પંડ્યાની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નરોડામાં પણ બેફામ ટ્રક BRTSની રેલિંગ સાથે અથડાતાં નુકસાન થયું હતું.
રિપોર્ટ મુજબ, અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ પર ઉભી રહેલ કારોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કારનો ભારે નુકશાન થયું હતું. અકસ્માતના ધમાકાથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ એસજી-2 ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ સાબરમતીના ત્રાગડ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના PSI ભરત પંડ્યાની ક્રેટા કારને અકસ્માત નડ્યો હતો. ઘટનાને લઈને સામે આવેલા વીડિયોમાં સ્થાનિક લોકો પોલીસ અધિકારીને ઘેરેલા જોવા મળે છે.પોલીસના જણાવ્યા મુજબ, કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને PSI તથા કારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ મેડિકલ તપાસ માટેની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બે અલગ અલગ ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.
ઇસ્કોન બ્રિજ અને સાબરમતીમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ અમદાવાદના રસ્તાઓ પર રાત્રિના સમયે વાહનચાલકોની બેદરકારી અને ઓવર સ્પીડિંગ સામે ફરી સવાલો ઊભા કર્યા છે. હવે ઇસ્કોન અકસ્માતમાં ફરાર થયેલા કારચાલકની શોધ, સાબરમતીની ઘટનામાં PSI સામેની તપાસ અંગેની કાર્યવાહી પર નજર રહેશે.


