અમદાવાદ : એક ગુજરાતીમાં બહુ પ્રચલિત કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય, એનો સ્પષ્ટ મતલબ એ થાય કે જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.આવું જ કંઈક રીડેવલપમેન્ટ ઇચ્છતી કેટલીક સોસાયટીઓમાં જોવા મળી રહ્યું છે. ક્યાંક વ્યક્તિગત સ્વાર્થ તો ક્યાંક ખોટી માંગણીઓ કરીને યેનકેન પ્રકારે રીડેવલપમેન્ટના પવિત્ર હવનમાં હાડકા નાખવામાં આવી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવા વાડજ અને નારણપુરા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, કેટલીક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા શરુ થઇ છે તો ક્યાંક અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. એક સોસાયટીમાં તો બિલ્ડર અને એસોસીએશન લાખો કમાઈ જશે એવી વાતો ફેલાવી વિઘ્નસંતોષી લોકો રીડેવલપમેન્ટને યેનકેન પ્રકારે રોકી પોતાનો રૂઆબ ઝાટકાતા હોવાનું જાણવા મળ્યું છે.
હાઉસીંગ અને રીડેવલપમેન્ટના એક જાણકાર મુજબ…
૧) વ્યક્તિગત સ્વાર્થને કારણે ૧૦૦% સહમત થતા નથી.
૨) વ્યક્તિગત રીતે મને મારા મકાનમાં શું મળે છે, કેટલો ફાયદો થાય છે, તે બધુ ના વિચારતા શું નથી મળતું તથા બીજાને શું મળે છે તેના પર ફોકસ કરે છે.
૩) બિલ્ડર આ પ્રોજેક્ટ્સમાંથી કરોડો કમાય છે તો મને કેમ એમાંથી ભાગ ના આપે તેવી અપેક્ષા અને ગણતરીઓ.
૪) ફર્નીચરના ખર્ચના નામે ગીફ્ટ મની માંગી વિરોધ કરવો.
૫) વધું ભાડા કે ભાડું વધી જાયની દહેશત ફેલાવી અન્ય લોકોમાં ડર ફેલાવવો.
૬) એસોસીએશન કમીટી કે આગળ પડતા આગેવાનોને યેન કેન પ્રકારે બદનામ કરવા કે હેરાન કરવા.
૭) અસંમત સભ્યો દ્વારા સમૂહનું હીત બાજુ પર મૂકી રીડેવલપમેન્ટ અટકાવવાના બધાજ પ્રયાસો કરવા.
૮) પ્રોજેક્ટ ફાઈનલ સ્ટેજ પર આવે ત્યારે લાલચું સભ્યો દ્વારા એસોસીએશન પર કબ્જો જમાવી પોતાનો વ્યક્તિગત લાભ ખાટવાની યોજનાઓ. ઘણીવાર એવા મકાનમાલીક કે તો જેઓ એસોસીએશન રેકોર્ડ પર સભ્ય જ ના હોય તેવા પણ હોદ્દેદારોને સલાહ આપવા કે કબ્જો જમાવવા જાય છે.
૯) વ્યક્તિગત લાલચથી પ્રેરાઈ રહીશો વર્ષોથી આ કામને કિનારે લાવનાર હોદ્દેદારો સાથે અંતમાં વિશ્વાસઘાત કરતા પણ ખચકાતા નથી. ક્યારેક તો સંમતી આપ્યા બાદ પણ ફરી જાય કે સંમતી પાછી ખેંચવાના પ્રયત્નો કરે છે.
૧૦) ઘણીવાર કોઈપણ વ્યક્તી કે સંસ્થા દ્વારા ફોડાયેલ કોઈ વ્યક્તી (મોહરા) વડે સોસાયટી સભ્યોમાં આંતરીક ઝઘડાઓ કે વિરોધ ઉભો કરી પ્રોજેક્ટને ઘાંચ માં પાડી લટકાવવા કે અટકાવવાની પ્રવૃતીઓ થાય છે.
૧૧) ક્યારેક અંગત સ્વાર્થમાં આ સમૂહના કામમાં રહીશોમાં વ્યક્તિગત ઘર્ષણ કે ઝઘડાઓ થાય છે.
૧૨) અસંમત સભ્યો દ્વારા પોલીસી કે કાયદા અજાણતા કે જાણતા હોવા છતા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સારા વાતાવરણને ડોહળવાનો શક્ય પ્રયાસ કરવો.
૧૩) અમુક લોકો છેલ્લે આવી રીડેવલપમેન્ટનો વિરોધ એટલે કરે છે કે બિલ્ડરનો તોડ કરીશું તેવી તેઓની પહેલેથી ગણતરીઓ હોય છે.
૧૪) ક્યારેક આસપાસની સોસાયટીના સભ્યો કે આગેવાનો કોઈપણ દ્વેષથી પણ રીડેવલપમેન્ટમાં જતી અન્ય સોસાયટીના સારા કામમાં રોડા નાંખી મુશ્કેલીઓ વધારતા હોય તેવું પણ બની શકે છે.
૧૫) વોટબેંકની રાજનીતીમાં કે સરકારી કાયદાના અમલમાં ઢીલાસ છે માટે આવી પરીસ્થીતીમાં કાયદાનો ડર નહી હોવાને કારણે અસંમત સભ્યો તેનો ફાયદો ખૂબ ઉઠાવે છે અને બહુમત રહીશો પરેશાન થાય છે.
૧૬) એસોસિએશન કમિટીના સભ્યોમાંથી કોઈકની વ્યક્તિગત લાલસા, દ્વેષ કે જૂથવાદ પણ ક્યારેક સોસાયટી માટે હાનિકારક બની શકે છે.
૧૭) ક્યારેક બિલ્ડર અને અધીકારીઓની કે અન્યોની સાંઠગાંઠના કારણે પ્રોજેક્ટમાં યોગ્ય ઝડપ શક્ય બનતી નથી, જેથી સોસાયટીના એસોસીએશન હોદ્દેદારોને સંમત સભ્યોના અનેક પ્રશ્નો કે રોષનો સામનો કરવો પડે છે.
૧૮) નિયમોઆધીન ટેન્ડરની ફાળવણી બાદ જો નિશ્ચિત સમયમાં પ્રોજેક્ટ શરૂ થતો નથી, તો તેનો સૌથી વધું ફાયદો ફક્ત અને ફક્ત ડેવલોપરને જ થાય છે. બાકી બીજા કોઈને લાભ થતો નથી. જો પ્રોજેક્ટ ડીલે થાય તો કેમ થાય છે? કોણ કરાવે છે ? કોના થકી થાય છે?
૧૯) સકારાત્મક સભ્યો કે જેઓ રિડેવલપમેન્ટ ઈચ્છી રહ્યાં છે તેઓ પણ ખોટા વિરોધીઓનો વ્યક્તિગત કે સંગઠિત થઈ પ્રતિકાર કરતા નથી, જેથી આવા લેભાગું લોકો મોકાના ફાયદો ઉઠાવી રહ્યાં છે.ખરેખર તો રહીશોએ જ જાહેરમાં આવા તત્વોનો વિરોધ કરવો જોઈએ…
તેઓના મત મુજબ આવા જુજ લોકો દ્વારા આમને આમ ખોટો વિરોધ થતો રહેશે તો જેનું પરિણામ એ આવશે કે સોસાયટીઓમાં હોદ્દેદારો પણ નિરૂત્સાહી થઈ કામ છોડી દે છે. અથવા તો રિડેવલપમેન્ટને બાજુમાં મુકી દેશે.આમ લોટરી સમાન રીડેવલપમેન્ટના લાભથી રહીશો વંચીત ન રહે તે માટે તમામ સભ્યોએ આગળ આવવું જાેઈએ અને રિડેવલપમેન્ટમાં રસ દાખવવો જાેઈએ.