અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેર પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના પશ્ચિમના સ્ટેડિયમ ચાર રસ્તા થી પંચવટી ચાર રસ્તા સુધીનો સીજી રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.આ ઉપરાંત, એસ જી હાઇવે પર 31મી ડિસેમ્બરના મોડી સાંજથી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તેમજ એસ જી હાઇવેને નો પાર્કિગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
એક રિપોર્ટ મુજબ નવા વર્ષની ઉજવણીમાં શહેરમાં મુખ્યત્વે સીજી રોડ પર સૌથી વધારે ભીડ રહેતી હોવાને કારણે દર વર્ષની માફક આ વર્ષે પણ સીજી રોડને સાંજના છ વાગ્યા બંધ કરવામાં આવશે. ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં મુજબ સ્ટેડિયમ ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તા સુધીનો સીજી રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જે દરમિયાન સમથેશ્વર મહાદેવ અને ગીરીશ કોલ્ડ્રીક્સના રસ્તાથી રાતના આઠ વાગ્યા સુધી અવરજવર રહેશે.
આ ઉપરાંત, એસ જી હાઇવે રાતના આઠ વાગ્યાથી રાતના ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત, પકવાન ક્રોસ રોડથી સાણંદ ક્રોસ રોડ સુધીના એસ જી હાઇવેેને નો પાર્કિગ ઝોન જાહેર કરાયો છે. સાથેસાથે સિંધુ ભવન રોડ પર પણ ટ્રાફિક પોલીસની અવરજવર રહેશે.તેમજ આડેધડ વાહનપાર્ક કરનારના વાહન જપ્ત કરવામાં આવશે.