અમદાવાદ : અમદાવાદીઓને આજે વધુ એક બ્રિજની ભેટ મળી છે.અમદાવાદ શહેરના રિંગ રોડના સનાથલ સર્કલ પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સનાથલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ આવરબ્રિજના કારણે સૌરાષ્ટ્રમાં જતા અને સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને લોકોનો સમય પણ બચશે.આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ચાંગોદર GIDC જતા-આવતા લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સનાથલ ઓવરબ્રિજના ઉદ્ઘાટન નિમિતે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. આ વર્ષનું ગુજરાતનું બજેટ ઈતિહાસનું સૌથી મોટુ બજેટ છે. ઝુંપડપટ્ટીમાં રહેતું બાળક પણ ટેક્નોલોજી સાથે જોડાય તેથી સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. અમિત શાહના મતક્ષેત્રમાં 28 સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. આપણી સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ૩ હજાર વિદ્યાર્થી ખાનગીમાંથી મનપા સ્કૂલમાં આવ્યા છે. 9 વર્ષમાં 50 હજારથી વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા છે. 12 લાખ 50 હજાર જેટલા આવાસો ગ્રામ્ય અને શહેરોમાં આપ્યા છે.