અમદાવાદ : રાજ્યમાં ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે આ સમયે રાજ્યના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગરમી વધી છે અને પારો 43.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ચુક્યું છે ત્યારે AMC દ્વારા ઓરેન્જ આપવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ અપોલો હોસ્પિટલ અમદાવાદના સિનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઇએ હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના સૂચનો આપ્યાં હતાં.
હીટ વેવમાં શું કરશો અને શું નહીં…
તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. સોફ્ટ ડ્રિંક, આલ્કોહોલ અથવા કેફીનયુક્ત પીણાની જગ્યાએ પુષ્કળ પાણી, છાસ, લીંબુંનું શરબત અને ઓઆરએસ પીવો.
ઘરની અંદર રહો. બપોરે ખાસ કરીને 12થી4 વાગ્યા દરમિયાન ગરમીના સીધા સંપર્કમાં આવવાનું ટાળો. જો તમારે બહાર જવું પડે તો ટોપી અથવા છત્રીથી તમારા માથાને ઢાંકો.
સખત શારીરિક પ્રવૃત્તિઓને ટાળો
હળવા રંગ અને ઢીલા સુતરાઉ કપડા પહેરો
ખૂબજ વધઘટ થતાં તાપમાનમાં રહેવાનું ટાળો. ઉદાહરણરૂપે, એર-કન્ડિશન્ડ ઓફિસમાં 16 ડિગ્રી તાપમાનમાં રહેવું અને ત્યારબાદ બહાર 43 ડિગ્રી તાપમાનમાં નીકળવું
હીટ વેવથી સૌથી વધુ જોખમ કોને છે અને કોણે બહાર નીકળવાનું ટાળવું જોઇએ?
વૃદ્ધો અને બાળકો વધુ સંવેદનશીલ હોય છે અને તેમણે આકરી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ. નબળું શારીરિક સ્વાસ્થ્ય ધરાવતા અને મેદસ્વિતા ધરાવતા તેમજ હ્રદય, ડાયાબિટિસ અથવા કેન્સરની દવા લેતા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હીટ સ્ટ્રોકનો ભોગ બનેલા તથા અમદાવાદની મુસાફરી કરતાં લોકો જેમકે એનઆરઆઇએ હીટ વેવમાં સાવચેતી રાખવી જોઇએ.
હીટ સ્ટ્રોકના લક્ષણોઃ
ઉબકા, ચક્કર, સ્નાયુમાં ખેંચાણ અને મૂંઝવણ એ હીટ સ્ટ્રોકના કેટલાક લક્ષણો છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લો.