અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર આજે 35 વર્ષ જૂની ગોલ્ડ ફ્લેટ નામની બિલ્ડિંગ ધારાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરીત હતી અને તેમાં ત્રણથી ચાર લોકો ફસાયા હતા. રાતે નવ વાગ્યાની આસપાસ બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ગોલ્ડ ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર ગલીની અંદર ત્રણ માળનો ગોલ્ડ ફ્લેટ આવેલો છે વર્ષોથી અહીંયા અનેક પરિવારો રહેતા હતા. પરંતુ ફ્લેટની હાલત એકદમ દયનીય થઈ જતા ઘણા પરિવારો અહીંથી નીકળી ગયા હતા. તેમ છતાં કેટલાક લોકો મજબૂરીમાં આ ફ્લેટમાં રહેતા હતા. જોકે, આજે બિલ્ડિંગ અચાનક પડી જતા ભયનો માહોલ સર્જાયો હતો અને અંદર અનેક લોકો મરી ગયા હોવાની અને ફસાયા હોવાની અફવા વાયુ વેગે પ્રસરી હતી.
અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડેના ત્રણ ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ આસપાસના લોકોએ પણ મદદ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા બે કલાકની જહેમત બાદ ત્રણ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકો પહેલાથી જ સહી સલામત સ્થળે ખસી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
છેલ્લા કેટલાય સમયથી આ બિલ્ડીંગમાં તીરાડો પડી હતી. જેને લઈ લોકો એ અહીથી સ્થળાંતર કર્યું હતું. લગભગ 35 થી 40 વર્ષ જૂની આ બિલ્ડીંગ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે ઘટના સ્થળ પર પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.