અમદાવાદ : શહેરમાં ગત મંગળવારે સવારે રિવરફ્રન્ટ પાસે સ્મિત ગોહિલ નામના ચાંદલોડીયાના યુવકની ગોળી મારી હત્યા થઈ હોવાની ચકચારી ઘટનામાં ચોંકાવનારા નવા વળાંકો આવી રહ્યાં છે. અમદાવાદ પોલીસ અને ક્રાઈમબ્રાંચ આ કેસમાં યુવકના પરિવારના નિવેદનના આધારે તેના મિત્રો શંકાના પરિઘમાં આવતા ક્રાઈમબ્રાંચે સ્મિતના મિત્ર યશ રાઠોડની અટકાયત કરી પુછપરછ કરતા તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
સમગ્ર ઘટનાક્રમની શરૂઆત થાય છે ગત મંગળવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ નજીક એક સ્મિત ગોહિલ નામના યુવકની ગોળી મારીની હત્યાની ઘટના બને છે. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઘટનાક્રમની જુગી-જુદી કડીઓ જોડતા પોલીસને આ તપાસનું કનેક્શન વિરમગામમાં મળ્યું. 30 ઓક્ટોબરના રોજ વિરમગામમાં રવિન્દ્ર લુહાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો તે અને 31 ઓક્ટોબરે જેની હત્યા થઈ તે સ્મિત બંને મિત્રો હતા. પોલીસ તપાસમાં શંકાના પરિઘમાં તેમનો મિત્ર યશ રાઠોડ આવ્યો જેની ક્રાઈમબ્રાંચે અટકાયત કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યાં.
યશ અને સ્મિત મિત્રો હતા રવિન્દ્ર સાથે રૂ. 8 લાખની લેતીદેતી બાબત રવિન્દ્રની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. યશ રાઠોડને રવિન્દ્રને પૈસા આપવાના હતા. યશ અને સ્મિતે રૂ. 8 લાખ આપવાના બહાને રવિન્દ્રને વિરમગામ બોલાવ્યો, જ્યાં તેની હત્યા કરી તેઓ અમદાવાદ પરત આવ્યા. બાદમાં યશ અન્ય એક હત્યા કરવાની પૈરવીમાં પણ હતો. મુકેશ ઠાકોર નામના શખ્સે પણ પૈસા માંગતો હોય તેને પણ પતાવી દેવાનો કારસો ઘડાઈ રહ્યો હતો.
બીજી તરફ સ્મિત પોતે હત્યામાં સામેલ હોવાથી પકડાઈ જવાના ડરે યથ પાસેથી હથિયાર લાવી રિવરફ્રન્ટ પર પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પરિવારની પુછપરછમાં મિત્રોનું કનેક્શન સામે આવતા આ કેસમાં પોલીસે યશ રાઠોડની અટકાયત કરી. યશ રાઠોડ આ બંને કેસનો આરોપી છે અને આ ગુનો આચરવા માટે તેઓ મધ્યપ્રદેશના મુરેનાથી હથિયાર લાવ્યા હોવાની કબુલાત આપી હતી.