એક સ્ત્રીને આદ્યશક્તિ કહેવામાં આવી છે, તે કોઈને કોઈ દૃષ્ટિકોણથી દરેક નારીમાં વર્તાઈ આવે છે..આવી જ એક સંઘર્ષની પ્રતિકૃતિસમાન સ્ત્રી એટલે અક્ષર પ્રાથમિક શાળાના સ્થાપક અને ભૂતપૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી સ્વ.શાંતાબહેન શરદભાઈ જોષી (મોટાબહેન)
1975 ની સાલમાં જ્યારે નવાવાડજ વિસ્તાર જંગલ ઝાડીનો વિસ્તાર હતો ત્યારે, ઘરે ઘરે ફરી એક વિદ્યાર્થી થકી શરૂ કરેલ અક્ષર પ્રાથમિક શાળા એ આજે પણ શ્રીનગર સોસાયટી, નવા વાડજમાં 49 વર્ષે વટવૃક્ષ બનીને અડીખમ ઉભેલ છે. પોતાની અક્ષર પ્રાથમિક શાળા શરૂ કરતાં પહેલા સ્વ.શાંતાબહેને સરસપુર ગુરૂદ્વારાની શાળાને એક આદર્શ શાળા બનાવી આપી. 10 વર્ષની નોકરી પછી તેમણે પોતે શાળા શરૂ કરવાની ઈચ્છા થકી શાળા છોડવાની વાત કરી ત્યારે, ગુરુદ્વારાએ સ્પષ્ટ જણાવ્યું કે અમે તમને જવા નહિ દઈએ. ખૂબ સમજાવટ પછી જ્યારે એમ કીધું કે મારે બીજે નોકરી નથી કરવી પરંતુ મારે મારી પોતાની શાળા શરૂ કરવી છે, ત્યારે ગુરૂદ્વારાએ મંજૂરી આપી.
સરસપુર ગુરુદ્વારામાં મોટાબહેનને 10 વર્ષનો અનુભવ તો હતો જ..અને અથાગ પુરુષાર્થ કરવાની ટેવ..જેના ફળસ્વરૂપ અક્ષર પ્રાથમિક શાળાનો જન્મ થયો. નાની ઉંમરમાં વિધવા થવાનું દુર્ભાગ્ય, પોતાના બાળકોની જવાબદારી તથા સમાજના બાળકોના ભાવિને ઉજ્જવળ કરવાનો ભાવ સ્વ. શાંતાબહેનને પ્રોત્સાહિત કરતા રહ્યા..અને ૪૯ વર્ષ સુધી શાળામાં રોજ હાજર રહી શાળાને એક મજબૂત આધારશીલા પ્રદાન કરી.
83 વર્ષની ઉંમરે પણ સ્વ.શાંતાબેન 3 થી 4 વર્ષના બાળકોના ક્લાસમાં પગ મૂકે એટલે બાળકો બા..બા કહી એમને વીંટળાઈ જાય..મોટાબહેન બાળકોને ક્યારેક અભિનય ગીત ગવડાવે તો ક્યારેક હાવભાવ સાથે વાર્તા કહે..49 વર્ષની શિક્ષણયાત્રામાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે એવા સંસ્કારનું સિંચન કર્યું કે વર્ષો પહેલા ભણી ગયેલ વિદ્યાર્થી મોટા વેપારી બને કે નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર હોય પરંતુ શાળાને ઓટલે આવીને મોટાબેન માઈકમાં વાર્તા કહેતા હોય એ સાંભળે..શિક્ષણક્ષેત્રે કોઈ પાસું એમના અનુભવની બહાર નહોતું. શાળા સંચાલન, બાળકોને સમજાવવાની પદ્ધતિથી લઈને જૂના-નવા દરેક નિયમથી તેઓ જાગૃત રહેતા.
તેમની સાથે રહેતા તેમના પુત્ર શ્રી માનવભાઈના જણાવ્યા અનુસાર મમ્મી મારા શિક્ષક પણ હતા અને મારા માતૃશ્રી પણ..તેમના જેવા સિદ્ધાંતવાળા સ્ત્રીને હું ક્યારેય મળ્યો નથી. હું પોતે પણ અક્ષર સ્કૂલનો વિદ્યાર્થી અને લેસન લઈને ના જાઉં તો, મોનીટર મમ્મી એટલે કે મોટાબહેન પાસે ઓફિસમાં લઇ જાય. આપણને એમ કે મમ્મી જ છે ને એટલે જલસા..પણ એમની ખુરશી નીચે મોટી પાણીની ટાંકી હતી..એ ધીમે રહીને ખુરશી ખસેડે અને ૨ શિક્ષકોને બોલાવી મને અંદર લબડાવડાવે અને કહે કે નાખી દો આને અંદર..જે શિસ્તમાં નથી એ દીકરો મારે જોઈએ જ નહી.. તેમણે જીજાબાઈની માફક મારું એવું તો ઘડતર કર્યું કે જીવનની કોઇપણ સમસ્યા મને સ્પર્શી જ ના શકે. શિક્ષણના સૂક્ષ્મ પાસાઓ પ્રત્યે મોટા બહેનની બાજ નજર રહેતી અને હું એમને બસ જોઈ જોઈને જાણે કોઈ વિશ્વવિધાલયમાં ભણ્યો હોઉં એવા જ્ઞાનને પ્રાપ્ત કરતો. આજે હું જે કંઇપણ સફળ છું એ મારા માતૃશ્રીના માર્ગદર્શન અને પ્રોત્સાહનનો ફલિતાર્થ છે.
અક્ષરભાઈ જોષી હાલ અક્ષર પ્રાથમિક શાળાના આચાર્ય છે. અને મોટાબહેનના જ્યેષ્ઠ સંતાન. અક્ષરભાઈનું કહેવું છે કે મોટાબહેન હંમેશા મારાથી વહેલા પહોંચી ગયા હોય..હું ગમે તેટલો વહેલો જાઉં એ મારાથી પહેલા ત્યાં હાજર જ હોય અને મને મોડા આવવા માટે અચૂક ટોકે..હું કહું કે બધા આવે એ પહેલા તો આવી જાઉં છું..તો મોટાબહેન કહે કે “આચાર્ય શાળાનું લોક ખોલે અને એ જ લોક મારે.” માટે એ ના ચૂકવું.. બાળકોની નોટો ઓફિસમાં મંગાવી તેઓ ચેક કરે અને શિક્ષકોને બોલાવી જરૂર જણાય ત્યાં સૂચન કરે અને સારું કામ જોવે તો નોટિસ બુકમાં લખે પણ ખરા કે “આ બહેને આ વિષયમાં આ વિષયાંક કેટલો સુંદર રીતે ભણાવ્યો.” શ્રી અક્ષરભાઈના કહેવા મુજબ મારા જીવનના ૫૩ વર્ષમાં ક્યારેય હું મોટાબહેનની સામે બોલ્યો નથી, પરંતુ એમના ઠપકા આજે પણ માથે આશીર્વાદ બનીને મને આવનારી સમસ્યાઓ સામે રસ્તો કરવાની પ્રેરણા આપે છે.
સ્વ.શાંતાબહેન સ્કૂલ ચલાવવાની સાથે પોતાના ખુદના બાળકો સાથે કુટુંબના અન્ય બાળકોને પોતાના ઘરમાં રાખતા જેથી તેમના ભાવિનું ઘડતર થાય. આ બધા ઘરના સભ્યો માટે 10 વ્યક્તિઓની રોજ રસોઈ બનાવવાની, સ્કૂલે જવાનું અને સામાજિક વ્યવહાર પણ સાચવવાના ; તેમ છતાં ચહેરા પર થાક કે અવાજમાં નિરુત્સાહ હોવાનો ભાવ ના જણાય..આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે બેનને ટિકિટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મોટાબહેને કીધું કે “અમિતભાઈ, હું રાજનીતિમાં આવીશ તો મારી શાળાના બાળકોને કોણ સાચવશે?” મને ક્ષમા કરો. બાળકોના જીવનનું ઘડતર એ જ એમના જીવનનું કર્મ હતું..પોતે નવરાત્રી કરે, ગાયત્રી અનુષ્ઠાન કરે, અગિયારસ – ચોથના ઉપવાસ કરે પરંતુ બાળકોને જે સમય આપવાનો છે તેમાં કોઈ બાંધછોડ ના કરે.
જીવનના અંતિમ પડાવમાં 83 વર્ષની ઉંમરે ગંભીર બીમારી ઈશ્વરનું તેડું લઈને આવી ત્યારે પણ તેઓ હિંમતથી બોલ્યા, “એમાં શું!! ઈશ્વર દુઃખ આપે તો આપણે પણ એમને બતાવી દેવાનું કે આપણે તેમનું નામ છોડી શકીએ તેમ નથી.”
શ્રી માનવ ભાઈએ જ્યારે પૂછ્યું કે માં તારી અંતિમ ઈચ્છા શું છે? તો મોટાબહેન બોલ્યા, બે જ છે.
1. મારી સ્કૂલના બાળકોને નિષ્ઠાથી ભણાવજો, આખી સ્કૂલના બાળકોને મારી પાછળ જમાડજો.
2. મારા શિક્ષકોનું ધ્યાન રાખજો. એમની પાસે કામ લેજો, શિસ્ત સાચવજો પણ એમને જીવનમાં તકલીફ હોય તો તમે જઈને ઊભા રહેજો, એમને પ્રવાસ થકી જાતરા કરાવજો.
અમુક વ્યક્તિઓ સમાજમાં બોલ્યા વગર નિષ્ઠાથી પોતાનું કર્મ કરી નીકળી જાય છે..ના એની કોઈ દિવસ જાહેરાત કરે ના પ્રચાર..માત્ર મોટાબહેન નામ પડે અને શાળામાં ભણેલ બાળકની આંખમાં કોઈપણ ઉંમરે આંસુ આવી જાય, એનાથી મોટી શ્રદ્ધાંજલિ શું હોઈ શકે પૂજ્ય શાંતાબેન (મોટાબહેન) ને…