અમદાવાદ : ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ પકડાવાનો તેમજ તેમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ વાંરવાર સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ ખમણ અને સ્પેશ્યિલ ચટણી માટે ફેમસ એવા દાસ ખમણની ચટણીમાંથી જ જીવાત મળતા ગ્રાહકે દુકાનનો સંપર્ક કરતા ત્યાં ફક્ત ચટણી બદલી આપવાનું કહેવામાં આવ્યું હતું.આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના અમરાઈવાડીમાં રહેતા એક વ્યક્તિએ દાસ ખમણની મણિનગર બ્રાન્ચમાંથી રવિવારે સવારે ખમણ ખરીદ્યા હતા. ત્યારે તેની સાથે આવેલી ચટણીમાં જીવડા જેવું દેખાતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. એટલું જ નહીં પરિવારજનોને ઉલટી-ઉબકા થયા હોવાની ફરિયાદ કરી હતી. આખરે આ સમગ્ર મામલે ગ્રાહકે AMCમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ AMC ના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા હતા.અને આરોગ્ય વિભાગ દ્વારા ખમણની દુકાનને સીલ કરવામાં આવી હતી.
આ અગાઉ પણ દાસ ખમણમાંથી અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દુકાનને સીલ પણ કરવામાં આવી છે. હવે કોર્પોરેશન દ્વારા દાસ ખમણ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?