અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગીમાં અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં કેટલાંય સમયથી અનેકગણી જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે.જેને પરિણામે અનેક હાઉસીંગ સોસાયટીઓ અને ખાનગી સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં રસ દાખવી રહી છે.
હાઉસીંગ સોસાયટીઓ અને ખાનગી સોસાયટીઓ રિડેવલપમેન્ટની વાત કરીએ તો ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા હાઉસીંગ સોસાયટીની સરખામણીમાં સરળ છે કારણ કે ખાનગી સોસાયટીઓમાં મકાન માલિક જ જમીનના માલિક હોય છે કે જયાં 75 ટકા સંમતિ આવતા રિડેવલપમેન્ટ થઈ શકે છે જયારે હાઉસીંગ બોર્ડની સોસાયટીઓમાં જમીન માલિક હાઉસીંગ બોર્ડ હોવાને કારણે જમીનના મુળ હક્કો હાઉસીંગ બોર્ડ પાસે હોય છે, હાલમાં પણ તે જમીનના 7/12 ના ઉતારામાં બોર્ડનું નામ હોય છે, હાઉસીંગ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે તે જમીન પરના એનએ ચાર્જ અને બેટરમેન્ટ ચાર્જ બોર્ડ દ્વારા જ ભરવામાં આવે છે.આમ હાઉસીંગ બોર્ડની સોસાયટીઓની જમીન માલિકીને લઈને રિડેવલપમેન્ટની સમગ્ર પ્રક્રિયા હાઉસીંગ બોર્ડ દ્વારા સીધી દેખરેખ થાય છે.
હાઉસીંગ બોર્ડની સોસાયટીઓના રિડેવલપમેન્ટની વાત કરીએ તો મોટાભાગની સોસાયટીઓ 35 થી 40 વર્ષ જુની છે તો કેટલીક તો 40 થી 45 વર્ષ જુની છે, તો અનેક સોસાયટીઓ જર્જરીત અવસ્થામાં છે, તો કેટલીક સોસાયટીઓ ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે.લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.ત્યારે વર્તમાન સમયમાં કેટલીક સોસાયટીઓ ડીમોલાઈઝ થઈ છે, કેટલીક સોસાયટીઓ એમઓયુ સ્ટેજ પર છે, કેટલીક સોસાયટીઓ સંમતિની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડ દ્વારા અનેક હાઉસીંગની જર્જરીત સોસાયટીઓના સીધા ટેન્ડર કર્યા છે, આવા સમયે છેલ્લાં કેટલાક સમયથી લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે.જેને કારણે અનેક હાઉસીંગ રહીશો મુંઝવણમાં હોવાનું જાણવા મળ્યું છે.જેમાં લીઝ ડીડને લઈને કેટલાક રહીશોએ હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે.
તમને જણાવી દઈએ કે વર્ષ-2021માં ગુજરાત હાઉસીંગ બોર્ડના તત્કાલીન હાઉસીંગ કમિશ્નર લોચન સહેરા દ્વારા સરકારમાં લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવા બાબતનો મંજુરી માંગતો એક પત્ર વાયરલ થયો છે જેમાં ફલેટ પ્રકારની યોજનામાં જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવામાં આવે તો લાભાર્થી/એસોસિએશન તેઓની યોજનાની જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ જાતે તબદીલ કરી જાતે ડેવલપર નક્કી કરી શકશે અને તેઓ પોતાની જરૂરિયાત મુજબના આવાસો બનાવી શકશે.કેટલાંક આગેવાનો અને રહીશો દ્વારા આ પત્રને લઈને હાઉસીંગના રહીશો પોતાની સોસાયટીઓમાં જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરાવવા માગણી કરી રહ્યા છે.અહીં તમને એ પણ જણાવી દઈએ કે હાઉસીંગ બોર્ડ દ્વારા ફલેટ પ્રકારના બાંધકામોને બાદ કરતા પ્લોટ, ટેનામેન્ટ અને બંગલોમાં આ સ્કીમ (પોલીસી) વર્તમાન સમયમાં ચાલુ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
આમ રિડેવલપમેન્ટ મામલે હાઉસીંગ પોલીસી, જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ મામલે અનેક સોસાયટીઓમાં અનેક રહીશો મુંઝવણમાં હોવાનું વોટ્સઅપ ગ્રુપની ચર્ચાઓના આધારે જણાઈ રહ્યું છે.આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં જોડાવવા બાબતે રહીશો પણ અસમંજસમાં રહે છે, આવાજ કારણો ને લીધે કેટલીય સોસાયટીઓ હાલ લટકેલી સ્થિતિમાં છે. પરંતુ આ બધાની વચ્ચે હાઉસિંગ બોર્ડ લેન્ડ લીઝ હોલ્ડ કે લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ વિષયે ચૂપ છે અને તે આ વિષય પર કોઈ પ્રકાશ પાડતું નથી, તે કારણ સમજાતું નથી. સમાજના બહોળા વર્ગને સ્પર્શતો આ ખૂબ નાજુક મુદ્દો છે જેથી હાઉસિંગ બોર્ડ એ ચૂપ ના રહેતા, આ બાબતે જરૂરી સમજણ સાથેનો ખુલાસો કરવો જોઈએ.હાઉસીંગ બોર્ડનું મૌન અનેક પ્રશ્નો ઉભા કરે છે કે તેને શંકાના દાયરામાં મૂકે છે. તો શું આ મુદ્દો ખરેખર કેટલા અંશે યોગ્ય કે અયોગ્ય છે, માહિતી જાણવાનો હાઉસીંગ રહીશોને પૂરો અધિકાર છે. આ બાબતે સંપૂર્ણ માહિતી હાઉસીંગ બોર્ડ કોઈ પણ માધ્યમ દ્વારા સમગ્ર ગુજરાતના હાઉસીંગના રહીશો સુધી પહોંચાડે એવી લોકોની માંગ છે.