અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા તળાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાંકરિયા તળાવમાં 40 વર્ષથી ચાલતી બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કાંકરિયામાં તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. બોટિંગ એક્ટિવિટિ બંધ થવા મામલે નવા એમઓયુ કરવામાં આવશે ત્યાર પછી જ આ સુવિધા શરૂ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કાંકરિયા તળાવમાં પણ હાઈકોર્ટ અને પોલીસ કમિશનરના આદેશનું પાલન કરતાં બોટિંગ બંધ કરાયું છે. સાથે પોલીસ કમિશનરે પણ તકેદારીના પગલે નવા એમઓયુ કરાયા બાદ તમામ વોટર સ્પોર્ટસ એક્ટિવિટી સુવિધા શરૂ કરવાના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનરના આદેશ બાદ કાંકરિયામાં 32 ગોકાર્ટ, ઝોવિંગ અને બોટિંગની બોટને તળાવના કિનારે લાંગરવામાં આવી છે.અગાઉ 19 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ પર બોટિંગ બંધ કરાયું હતું.
રાજ્યમાં શાળાની રજાનો માહોલ છે. ત્યારે બાળકો માટે ફરવાનું આ મનપસંદ સ્થાન એવા કાંકરિયામાં તમામ વોટર સ્પોર્ટસ એક્ટિવિટી બંધ થતા તેઓ નિરાશ થયા છે. નવા એમઓયુ કયારે થશે કારણ કે હાલમાં ચૂંટણીનો માહોલ છે. એવામાં સરકારી તંત્રમાં કામમાં કયારે નિર્ણય લેવાશે અને કયારે બાળકો આ વોટસ સ્પોર્ટસ એક્ટિવિટનો આનંદ લઈ શકશે, ત્યાં સુધી શાળાની રજાઓ પણ પૂર્ણ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે વડોદરા બોટ દુર્ઘટનાની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વડોદરા દુર્ઘટનાને પગલે કોર્ટના કડક વલણ બાદ શહેરના વસ્ત્રાપુર, છારોડી, રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવમાં થતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટી પણ બંધ કરવામાં આવી છે.