અમદાવાદ : અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ કારચાલક બેફામ બન્યા છે. ગાંધીનગરનાં સરગાસણથી ખ – 3 તરફ જતાં રોડ ઉપર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી ડિવાઇડર કુદાવી અલ્ટો ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અલ્ટોમાં સવાર ગંભીર ઈજાગ્રસ્ત સસરાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂની હાલત પણ નાજુક હોવાના પગલે સઘન સારવાર આપવામાં આવી છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઓઢવ નવરંગ સ્કૂલની બાજુમાં ચંદ્રનગર સોસાયટીમાં નિમિતાબેન હેમંતભાઈ જોષી પોસ્ટનું કામ કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 21 મી એપ્રિલે નિમિતાબેન તેમના સસરા જયંતીલાલ મનસુખલાલ જોષી સાથે અલ્ટો ગાડીમાં વતન રાંધેજા ખાતે પ્રસંગ હોવાથી જતા હતા. અને સાંજના આશરે ચારેક વાગે ગાંધીનગર સરગાસણથી ખ-૩ તરફથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન ફોર વ્હીલ ગાડી (GJ-18-EA-6625) ના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર કુદાડી અલ્ટો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. અને ગાડીને ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ કાર એટલી ખરાબ રીતે ફસાઇ ગઇ હતી કે તેને કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી.આ અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. એ વેળાએ અત્રેના રોડ પરથી પસાર થતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પણ અકસ્માત જોઈને રોકાઈ ગયા હતા.
આ અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર સસરા-પુત્રવધૂને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાદમાં બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે જયંતિલાલની તબિયત સારવાર દરમ્યાન વધુ પડતી લથડી પડી હતી. અને તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે નિમિતાબેનની ફરીયાદના આધારે સેકટર – 7 પોલીસ ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિકોનું માનીએ તો ખ- રોડ ઓવરસ્પીડીંગ માટેનો રાજ માર્ગ ગણાય છે. સ્પીડ બ્રેકર નહીં હોવાથી અહીં વાહનો પુરઝડપે દોડે છે. ગાંધીનગર પોલીસને ઓવર સ્પીડીંગ અટકાવવા માટે પુરતા સાધનો અપાયા હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી. કાર્યવાહી થતી નહીં હોવાથી વાહનચાલકો ગતિ મર્યાદા પર ધ્યાન આપતા નથી.
જો કે સમગ્ર ઘટનાની કરુણતાનું જમા પાસું એ રહ્યું કે અકસ્માત સમયે હાજર ગેરેજમાં કામ કરનાર વ્યક્તિએ માનવતા બતાવી બન્ને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ જયંતિભાઇના ખિસ્સામાં રોકડ અને સોનાની ચેઇન સહિતની વસ્તુઓ પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું.