અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે.
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઊંચુ પરિણામ આવ્યું છે.
સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ. આજે જાહેર થયેલા પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 2023ની તુલનાએ વિજ્ઞાન પ્રવાહમાં 16.87 ટકા વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે.
માર્ચ-2024 માં બોર્ડ દ્વારા ધો. 12 ની વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં 1.36 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.