અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની IPL ની મેચમાં ફરી એક વાર અમદાવાદ પોલીસની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. શુક્રવારે રમાયેલી મેચ દરમિયાન એક યુવક તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગી ભેટી પડ્યો હતો. અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂકનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની IPL મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીનો ફેન સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને મળીને પગે પડી ગયો હતો અને ત્યારબાદ ભેટી પડ્યો હતો. જો કે ત્યારબાદ સુરક્ષા અધિકારીઓ પણ મેદાનમાં પહોંચ્યા હતા અને આ યુવકને પકડી લીધો હતો.
નવાઇની વાત એ છે કે સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા બદોબસ્ત હોવા છતાં જવાબદાર અધિકારીઓની નજર સામે આ યુવક મેદાનમાં પહોંચ્યો હતો. આ યુવકનું નામ જય જાની હોવાનું બહાર આવ્યું છે અને તે ભાવનગરનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે યુવક સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ ચાલુ મેચમાં એક પેલેસ્ટિયન યુવક પણ મેદાનમાં પહોંચી ગયો હતો. અમદાવાદ પોલીસની બેદરકારીના કારણે આ બીજો બનાવ બન્યો છે ત્યારે સવાલ પુછાઇ રહ્યો છે કે શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે.