અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રાજ્યના દરિયા કિનારેથી અનેક વખત કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદ જેવા શહેરોમાં ડ્રગ્સની હેરાફેરી કરતી મહિલાઓ પણ પોલીસના સકંજામાં આવી છે. ત્યારે અમદાવાદમાં નરોડા વિસ્તારમાં SOG ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતીની ધરપકડ કરી છે. યુવતીના મિત્ર પાસેથી પોલીસને દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસે યુવક અને યુવતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, એક જ્યોતિબાલા નામની મહિલા પોતાના કબજામાં એમડી ડ્રગ્સનો જથ્થો રાખી નરોડા ખાતેના હંસપુરામાં શંખેશ્વર ટાઉનશીપ ખાતે હાજર છે. આ બાતમીને આધારે SOG ક્રાઈમ બ્રાન્ચે બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો. મકાનમાં જઈને SOG ની ટીમે મહિલાનું નામ પૂછતાં મહિલાએ તેનું નામ જ્યોતિબાલા પ્રજાપતિ અને મૂળ રાજસ્થાનની હોવાનું કહ્યું હતું.
અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવતી પકડાઈ છે અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા નરોડા વિસ્તારના હંસપુરામાં આવેલી શંખેશ્વર ટાઉનશીપ માંથી જ્યોતિબાલા પ્રજાપતિ નામની યુવતીને 8 ગ્રામ થી વધુની 83,000 ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે. તેમજ યુવતીનો મિત્ર જીતેન્દ્ર પટેલને પણ દારૂ તેમજ બિયરની બોટલો સાથે પકડવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.