અમદાવાદ : ગુજરાત સહિત આખા દેશમાં આ વર્ષે ગરમી રેકોર્ડ બનાવી રહી છે. આવી અસહ્ય ગરમી ઘણા વર્ષોથી કોઈએ અનુભવી નથી અને હવે તો હરિયાળી ધરાવતા વિસ્તારમાં પણ તાપમાન વધતું જાય છે. હવામાન ખાતાએ ગુજરાતના સાત શહેરોમાં હીટવેવની આગાહી કરી છે અને લોકોને બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, જુનાગઢ અને ભાવનગરમાં તાપમાન સતત વધી રહ્યું છે અને હીટવેવની સ્થિતિ છે. આ ઉપરાંત તેમાં રાજકોટ અને પોરબંદર પણ સામેલ છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તાપમાનનો પારો હજુ પણ એકથી બે ડિગ્રી સુધી વધી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચ દિવસ 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે તેમ જણાવાયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને અમુક વિસ્તારમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે રાજ્યભરમાં બપોરે બહાર નીકળશો તો સખત ગરમી સહન કરવી પડશે. હાલમાં દિવસે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ હવમાન વિભાગે આપી છે.
હવામાન વિભાગે આજે હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કાળઝાળ ગરમીથી બચવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને ખાસ અપીલ કરી છે.
જેમાં બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શાકભાજી ખાવા, તીખુ ખાવાનું ટાળવું અને આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આ સિવાય ચા કોફી અને સોડાવાળા પીણાં પર નિયંત્રણ રાખો, બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખો, લાંબો સમય તડકામાં ન રહો, આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરો, કામ કરતી વખતે થોડા-થોડા સમયે વિરામ લો અને ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરો.
આ ઉપરાંત નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો ગરમીની અળાઈઓ, ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ થવી અને ઉબકા અને ઉલ્ટી આવવી આ તમામ લૂના લક્ષણો છે…ગરમીથી બચવા માટે વારંવાર પાણી પીતાં રહેવું જોઈએ.