અમદાવાદ : ડ્રાઈ સ્ટેટ કહેવાતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેકવાર દારૂની રેલમછેલ જોવા મળે છે, ત્યારે ખુલ્લેઆમ દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા બે દિવસમા અમદાવાદમાં અલગ અલગ સ્થળે સનાથલ, છારોડી અને નારણપુરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 4.83 લાખની કિંમતની 2941 બોટલો ઝડપી પાડી છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આઠ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ SMCએ ગત 16મી મેના રોજ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલી સનાથલ ટોલ ટેક્સ પાસેથી વિદેશી દારૂની 965 બોટલો પકડી હતી. જેની કિંમત 1.16 લાખ થાય છે, તે ઉપરાંત બે મોબાઈલ અને 2500 રૂપિયાની રોકડ અને વાહન સહિત કુલ 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMCએ આ કેસમાં રાજસ્થાનના ડુંગરરામ જાટ અને સુરેશ જાટની ધરપકડ કરી હતી. જ્યારે પ્રવિણ જાટ સહિત અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
આજે 17મી એ SMCએ શહેરમાં એસજી હાઈવે પર આવેલ છારોડી પાટીયા પાસેથી વિદેશી દારૂની 1910 બોટલો પકડી હતી. જેની કિંમત 2.40 લાખ થાય છે. SMCએ દારૂ સહિત એક વાહન પણ કબજે કર્યું હતું અને કુલ મુદ્દામાલ 10 લાખનો જપ્ત કર્યો હતો. આ રેડમાં ટોયોટા ઈનોવામાં આવેલા ડ્રાઈવર સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે.
આજે 17મી એ SMCએ આ ઉપરાંત નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે પણ SMCએ રેડ કરી હતી. જ્યાંથી વિદેશી દારૂની 1.26 લાખની કિંમતની 66 બોટલો કબજે કરી હતી. તે ઉપરાંત એક વાહન અને મોબાઈલ સહિત કુલ 4.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સાગર નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે.