અમદાવાદ : અમદાવાદમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આગ વરસાવતી ગરમી વચ્ચે સ્થાનિકો પરેશાન બન્યા છે. અમદાવાદમાં આજે મહત્તમ 45 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. તો ગરમી વધતી હીટવેવને કારણે લૂ લાગવાના અને ઝાડા- ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એક રિપોર્ટ મુજબ મે મહિનામાં 18 દિવસોમાં અમદાવાદમાં 108ને 4 હજાર 131 કોલ મળ્યા છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 216 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ 8 મે ના 108ને 286 કોલ મળ્યા હતા.
રાજ્યવાસીઓને આગામી 6 દિવસ તો ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં આજનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યુ છે. 20મી મેએ મહત્તમ પારો 44 ડિગ્રીએ જઈ શકે છે. 21 મે એ અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. 22 મે થી 24 મે સુધી અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ તરફ હીટવેવને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલને જણાવ્યુ કે હીટવેવથી બચવા જરૂરી પગલા લેવા માટેની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. તથા તમામને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે.