અમદાવાદ: અમદાવાદમાં ફિલ્મોને ટક્કર મારે એવો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ બીજા મિત્રને પ્રેમલગ્નમાં પૈસાની મદદ કરવા માટે લૂંટારો બની ગયો હોવાની ઘટના સામે આવી છે.નરોડા કોલેજમાં સાથે ભણતા મિત્ર માટે તલોદમાં રહેતા યુવાને અમદાવાદ આવીને નિવૃત કસ્ટમ અધિકારીના ઘરમાં ધુસીને એરગન બતાવીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. અધિકારીની સમય સૂચકતાને લીધે તરત જ પોલીસ ને જાણ કરી હતી અને યુવાનની ધરપક્ડ કરી હતી. આરોપી દક્ષેશ જોષીની પૂછપરછ કરતા ઘણી ચોંકવવનારી હકીકતો સામે આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ,આનંદનગરના સ્મીત સાગર સોસાયટીના 34 નંબર બંગલામાં રહેતા પૂર્વ કસ્ટમ અધિકારી રમેશકુમાર ચૌહાણના પોતાના પરિવાર સાથે ઘરમાં હતા ત્યારે સોમવારના સાંજે એક બુકાનીધારી શખ્સ હથિયાર લઇને ઘરમાં ઘૂસ્યો હતો. આ શખ્સે રમેશકુમારના લમણે હથિયાર મૂકીને આપકે ઘરમે જીતને પૈસે હે દે દો કહીને 50 લાખ રૂપિયાની માંગણી કરીને જાનથી મારી નખાવાની ધમકી આપી હતી. ત્યારે રમેશકુમાર તથા તેમની પત્નીએ ઘરની તિજોરીમાંથી રૂ.20 હજાર આપ્યા હતા.લૂંટારાએ ડરાવવા માટે પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ થતા જ અધિકારીને ખબર પડી ગઈ હતીં કે આ તો એરગન છે. ત્યારે તેમણે યુવાનને ટિપોઈ મારી અને નીચે પટકાતા તરત જ પોલીસને જાણ કરી આનંદનગર પોલીસને સોંપ્યો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી દક્ષેશ જોષી (ઉમર .20 વર્ષ રહે. બ્રાહ્મણ ફળિયુ, મોટા ચેખલા, તલોદ)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે તે નરોડા કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેનો એક મિત્ર તેની પ્રેમિકાને ભગાડી જતા તેના પર પોક્સો કેસ થયેલો હતો. આ કેસમાં જેલમાં બંધ હોવાથી તેના કેસના સમાધાન માટે અને જેલમાંથી બહાર કાઢવા માટે દોઢ લાખની જરૂર હતી.
જેલમાં બંધ તેના મિત્ર સાહિલે દક્ષેશ પાસે મદદ માંગી હતી. દક્ષેશને વાત કરતા તે દોઢ લાખની વ્યવસ્થા કરવામાં લાગી ગયો હતો. જો કે ક્યાંય નાણાંની સગવડ ન થતાં દક્ષેશ ઘરે ગયો હતો. ઘરેથી એરગન, છરી, આરી જેવા હથિયારો બેગમાં લઈને એસટી બસમાં અમદાવાદ આવ્યો હતો. ગીતામંદિરથી બુટભવાની મંદિર પાસે રીક્ષામાંથી ઉતરીને તે રેકી કરતો કરતો સ્મીત સાગર સોસાયટીમાં ઘૂસ્યો હતો અને ગુનાને અંજામ આપ્યો હતો.