અમદાવાદ : અમદાવાદમાં મકાન ભાડે આપતા લોકો ચેતી જજો કારણ કે, આ એક કામ તમે નહીં કરો તો તમારે જેલમાં જવાનો વારો આવી શકે છે. આ કહેવાનું કારણ એ છે કે, વધતા જતા ગુનાઓને અટકાવવા માટે અને કોઈ મોટો ગુનો બનેતો આરોપીઓને વહેલામાં વહેલો તકે દબોચી લેવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નરે એક નવું જાહેરનામું બહાર પડીને અમદાવાદમાં ભાડે મકાન આપતા લોકોને તેમના મકાનમાં ભાડુઆત તરીકે રહતા લોકોના નામની નોંધણી અને કેટલાક પુરાવાઓ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની સુચના આપી છે. જો મકાન માલિક ભાડુઆતના પુરાવાઓ પોલીસ સ્ટેશનમાં જમા નહીં કરાવે તો મકાન માલિકને પણ જેલમાં જવાનો વારો આવી શકે છે.
આગામી દિવસોમાં બકરી ઇદ, મહોરમ, રથયાત્રા વિગેરે ધાર્મિક તહેવારો આવનાર હોય, આવા તહેવારોના સમયગાળા દરમ્યાન આંતકવાદીઓ તથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે દેશમાંથી આવી કોઇ મકાન ભાડે રાખીને અમદાવાદમાં રહી સ્થાનિક જગ્યા વિગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાની શક્યતા નકારી શકાય નહી.
1. મકાન માલીકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત-કો વિસ્તારમાં કેટલાં ચો.મી બાંધકામ છે.
2. મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્યકિતનું નામ
3. મકાન ક્યારે ભાડે આપેલું છે તથા માસિક ભાડુ કેટલું?
4. જે વ્યકિતઓને ભાડે આપેલ છે. તેમના પાકા નામ, સરનામાં ફોટોગ્રાફ, પાસ પોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ પુરાવા રૂપે સાથે આપવા.
5. મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ સરનામું તથા પાસપોર્ટ. ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ પુરાવા રૂપે સાથે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે આદેશ કરાયા છે.
પોલીસ કમિશ્નરે જાહેર કરેલા હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 23 મે 2024 થી 21 જુલાઈ 2024 સુધી અમદાવાદમાં કોઈ પણ મિલકત ભાડે અપાય તો ઉપરોક્ત નિયમોનું પાલન કરવું પડશે. જો આ નિયમોનું પાલન નહીં કરાય તો કલમ 188 મુજબ વ્યક્તિ શિક્ષાને પાત્ર ગણાશે.1897ના એપેડેમીક એક્ટની કલમ 3માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ પણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે, સૂચનાઓ અને નિયમોનો ભંગ કરે છે, તો તેને આઈપીસીની કલમ 188 હેઠળ સજા થઈ શકે છે.
IPCની કલમ 188 હેઠળ સજાની બે જોગવાઈઓ છે. પ્રથમ જોગવાઈમાં જો તમે સરકાર અથવા સરકારી અધિકારી દ્વારા કાયદાકીય રીતે આપવામાં આવેલા આદેશોનું ઉલ્લંઘન કરો છો અથવા જો તમારી ગતિવિધિથી કાયદો અને વ્યવસ્થા માટેની વ્યક્તિને નુકસાન પહોંચે, તો તમને ઓછામાં ઓછી એક મહિનાની જેલ અથવા 200 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
બીજી જોગવાઈમાં જો તમારા દ્વારા સરકારના આદેશના ઉલ્લંઘનથી માનવ જીવન, આરોગ્ય અથવા સલામતી વગેરેને જોખમ થાય, તો તમને ઓછામાં ઓછી 6 મહિનાની જેલ અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડના પહેલા શિડ્યુલ મુજબ બંને કેસમાં જામીન આપી શકાય છે અને કોઇ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી થઈ છે.