અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે અને હીટવેવથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા બપોરના સમયે બહાર ન નીકળવાની સૂચના કરાઈ છે. ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન, ગુજરાતના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતનાં મહાનગરો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ સંસ્થાના સદસ્યો છે. ફેડરેશનની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિત માટે બપોરે 12થી સાંજના 4 વાગ્યા સુધી એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
તો બીજી તરફ, હીટવેવના પગલે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ વિશે મંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું કે, સતત વધતું તાપમાન કર્મચારીઓને નુકસાન કરી શકે છે. તેથી આગામી સપ્તાહમાં જાહેર રજા આપવી જોઈએ. સરકારી કચેરીઓમાં પંખા અને કુલર યોગ્ય ચાલતા નથી, પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી. તેથી આ અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.