અમદાવાદ : અમદાવાદના સિંધુભવન રોડ પર શનિવાર સાંજે સેક્ટર 1 પોલીસની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિંધુ ભવન રોડ ઉપર આવેલા 70 જેટલા કેફે અને રેસ્ટોરન્ટ સહિત પાન પાર્લરો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શનિવાર સાંજના સમયે યુવાઓ અહીં આનંદ માણવા આવતા હોય છે. નશીલા પદાર્થોનુ સેવન કે વેચાણ ન થાય તે માટે પોલીસની 10 જેટલી ટીમ બનાવાઈ હતી. સાથે જ સિંધુ ભવન રોડ ઉપરથી પસાર થતા વાહનો ને પણ ચેકિંગ કરવામાં આવ્યા હતા. અને શંકાસ્પદ જણાતા વાહનોને ડિટેન કરી ઈ-મેમો પણ આપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર પોલીસના સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, બે ડીસીપી,10 એસીપી,10 પીઆઈ,20 પીએસઆઈ અને 250 જેટલા પોલીસના જવાનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. પોલીસે ગોટીલા ગાર્ડનથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સિંધુભવન રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને પોલીસની ટીમ અલગ અલગ દસ ભાગોમાં વહેંચાઈ હતી અને ત્યારબાદ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
પોલીસની અલગ અલગ ટીમો સિંધુભવન રોડ પર આવેલા અલગ-અલગ રેસ્ટોરાં, કેફે અને હોટલમાં પણ ચેકિંગ માટે ગઈ હતી.પોલીસ દ્વારા કેફેમાં ખાસ ડ્રગ્સનું સેવન કે વેચાણ થતું હોય તે બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ અસામાજિક પ્રવૃત્તિ અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શંકાસ્પદ ઈસમોને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં કોઈની પાસે હથિયાર છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.
આગામી રથયાત્રાને લઈને તથા શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઇવ દરમિયાન સિંધુભવન રોડ પરથી પસાર થતાં અનેક શંકાસ્પદ વાહનો રોકીને તેને ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોંઘી ગાડીઓને પણ રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજકીય પક્ષો તથા પોલીસની પ્લેટ લગાવેલી હોય તેવી ગાડીઓ પણ ચેક કરવામાં આવી હતી. આ ચેકિંગમાં ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય તો તે પોલીસ દ્વારા ગાડીની ફિલ્મ હટાવીને કેસ પણ કરવામાં આવ્યા હતા.