અમદાવાદ : ગુજરાતમાં હાઉસિંગ બોર્ડના જુના મકાનોને રિડેવલપમેન્ટ કરવાનો મુદ્દો ઘણા સમયથી ગાજે છે. આવા ઘણા મકાનો હવે જર્જરિત હાલતમાં છે અને તેમનું રિડેવલપમેન્ટ કરવું જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં અનેક વિસ્તારોમાં અલગ અલગ અવરોધ છે.
નવા વાડજમાં આનંદનગર એપાર્ટમેન્ટના પ્રમુખ નટુભાઈ પટેલ રિડેવલપમેન્ટને લઈને જણાવે છે કે વર્તમાન પોલીસી અનેક ખામીઓ છે, જેમં રહીશોનું હિત ઓછું અને ડેવલપરો અને હાઉસીંગ બોર્ડના અધિકારીઓનું હિત વધારે હોવાનું જણાવે છે.તેઓ જણાવે છે કે હાલ રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલે છે જેમાં પોલિસીમાં 40 ટકાનો નિયમ તદ્ન ખોટો છે, આ સિવાય ગુજરાત હાઉસીંગ બોર્ડ ડેવલપરને માઇનસમાં ટેન્ડર આપે છે, મતલબ હાઉસીંગ બોર્ડ ડેવલપરને મકાન બાંધવાના પૈસા આપે છે, આ પૈસાનો બેડફાટ કહેવાય,સરકારને નુકશાન થાય છે જે બિલકુલ વ્યાજબી ના ગણી શકાય, એના કરતા જે કોઈ ડેવલપર રહીશોને 40 ટકા થી વધુ બાંધકામ આપે એવા ડેવલપરને જ કામનો વર્ક ઓર્ડર આપવા માટે ગુજરાત હાઉસીંગ બોર્ડે સહમત થવું જોઈએ અથવા તો એસોસિયેશનને રિડેવલપમેન્ટ કરવાની સત્તા આપવી જોઈએ.
તેઓએ પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં હાઉસિંગ બોર્ડએ જમીન સહિતના બધા પૈસા (ખર્ચ) લઇ લીધા છે, હાઉસીંગ બોર્ડ તો હાલ રહીશો જોડે ફાઈલ સાચવવાના પણ પૈસા લે છે, તો બીજી બાજુ ચોમાસાને લઈને અનેક જર્જરિત બાંધકામોને લઈને રહીશોને નોટિસો આપી છે જેમાં હાઉસીંગ બોર્ડ સ્પષ્ટ લખે છે અમારી કોઈ જવાબદારી રહેતી નથી. જો કોઈ બાંધકામની જવાબદારી ન રહે તો હાઉસીંગ બોર્ડ માલિક કઈ રીતે ગણાય ?આ વાત બિલકુલ ખોટી છે, આવી વાતો ચલાવી ન લેવાય.
આ ઉપરાંત જો કોઈ એસોસિયેશન જે રહીશોને મોટુ બાંધકામ આપતો હોય તેવો ડેવલપર લાવે તો હાઉસિંગ બોર્ડે વિરોધ કરવો જોઈએ નહીં, અથવા તો કોઈ ખાનગી ડેવલપર ટેન્ડર ભરે તો ભરવા દેવું જોઈએ, અને જો રહીશને વધુ બાંધકામ મળે તો હાઉસિંગ બોર્ડે વિરોધ કરવો જોઈએ નહીં.આ ઉપરાંત ૪૦ ટકા વધુ નહી આપવાનો કયો નિયમ છે, વધારે નહિ આપવાનો નિયમ કેવી રીતે હોઈ શકે ? રહીશને જો ડેવલપર વધારે બાંધકામ આપતું હોય તો માઈબાપ તરીકે હાઉસીંગ બોર્ડ અને સરકારે રાજી રહેવું જોઈએ.
આ ઉપરાંત બહુમતી મુદ્દે હાઉસીંગ બોર્ડની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું. 75 ટકા બહુમતી કઈ રીતે માન્ય ગણી શકાય, જયાં સરકારમાં જ કાયદો ઘડનારાઓ પણ ફક્ત બહુમતીના આધારે જ કાયદા બનાવે છે ત્યારે આ 75 ટકા બહુમતી શબ્દ પણ ખોટો જ ગણાય, ૭૫ ટકા બહુમતીની જગ્યાએ ફક્ત દસ્તાવેજ કરનાર બહુમત સભ્યોની સહમતિ ગણવામાં આવે તો હાઉસીંગની મોટાભાગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની ગાડી બુલેટ ટ્રેનની સ્પીડે દોડવા લાગશે.
આ ઉપરાંત લીઝ ડીડ મામલે તેઓએ જણાવ્યું હતું કે અગાઉ જણાવ્યા મુજબ મંજુરી આપવામાં આવે તો પછી હાઉસીંગ બોર્ડ પોતાની લીઝ ચાલું રાખે, બીજા 99 વર્ષની પણ લીઝ બોર્ડ પોતાની પાસે રાખે.
તેઓ જણાવે છે કે એકબાજુ સરકાર એમ કહે છે મકાન વગરના લોકોને મકાન આવાસ પુરા પાડીશું, અહીં જે મકાન માલિકો છે એમને વધારે મોટું મકાન આપે ત્યારે ખરૂ, જેથી આમારી સરકારને નમ્ર વિનંતી કે પોલીસીમાં ઉપરોક્ત મુદ્દાઓનો સુધારો કરો કે જેમાં ૪૦ ટકા નિયમમાં સુધારો કરો, બહુમતી મામલે પણ ચલાવી લો.
તેઓએ ભૂતકાળની વાતોને યાદ કરીને જણાવ્યું હતું કે આ અગાઉ પણ હાઉસીંગના રહીશો માટે કન્વીનર તરીકે ગુજરાત હાઉસીંગ રેસિડન્ટ ફેડરેશનના બેનર હેઠળ આંદોલન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં હાઉસીંગ રહીશો જોડાયા હતા. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી માન.મોદીસાહેબે ખુબ જ સરસ નિર્ણય લેતા હાઉસીંગના રહીશોને પેકેજ આપવામાં આવ્યું હતું, જેમાં તમામ પેનલ્ટી અને વ્યાજ માફ કર્યું હતું અને બાંધકામ ખરાબ હોવાને કારણે કિંમતમાં ૧૦ ટકા રાહત આપવામાં આવી હતી.