અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને હોટલો-રેસ્ટોરાંમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે. લોકો આરોગતા હોય તેવી કોઈ પણ ચીજ વસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળતી હોવાનું સામે આવી રહ્યું છે. દિન-પ્રતિદિન હોટલ- રેસ્ટોરાંમાં ખાવામાંથી જીવ-જંતુઓ નીકળે છે.ત્યારે અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં વધુ એક એવી જ ઘટના બની છે. જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી વંદો નીકળતા વિવાદ વકર્યો હતો. ગ્રાહકના આરોપ મુજબ, આ મામલે આરોગ્ય વિભાગને જાણ કર્યા બાદ ચેકિંગ હાથ ધરાયુ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના પૂર્વના રખિયાલ વિસ્તારમાં અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલી સીટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી જીવાત નીકળી હતી. આ કારણે હોટેલ મેનેજમેન્ટ અને ગ્રાહકો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. ગ્રાહકના આરોપ મુજબ, પારિવારિક કાર્યક્રમ માટે સીટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં હોલ અને જમવાનું બુક કરવામાં આવ્યું હતું. પરંતુ, કાર્યક્રમ દરમિયાન જમતા સમયે લોકોને પીરસવામાં આવેલ દાલફ્રાયમાંથી જીવાત નીકળી હતી. આ બાબતે જ્યારે હોટેલ મેનેજમેન્ટને જાણ કરાઈ તો તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા.
આ મામલે ગ્રાહક દ્વારા ફરિયાદ કરાઈ છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરાયું નહોતું. રેસ્ટોરન્ટ ધારકો સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાનો અને ગ્રાહકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાનો આરોપ ગ્રાહકોએ લગાવ્યો હતો. જો કે, આ ઘટના બાદ લોકોમાં સવાલ છે કે કેમ આટલા બનાવો બનવા છતાં પણ AMC નું આરોગ્ય વિભાગ નિષ્ક્રિય છે ? શહેરનું આરોગ્ય વિભાગ ક્યારે તેની ઘોર નિદ્રામાંથી જાગશે ? શું આરોગ્ય વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા બેદરકારો સામે કાર્યવાહી ક્યારે થશે ? લોકોના જીવન સાથે રમત રમતાં આવા બેદરકારો પર કોની રહેમનજર છે ?
હોટલ-રેસ્ટોરાં, ફૂડ કોર્ટ વગેરે જેવા ખાણીપીણી એકમો જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય, તેમની સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. જોકે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો આ મામલે કોઈ ગંભીરતા દાખવતા નથી. માત્ર નામની કાર્યવાહી માટે રેસ્ટોરાંમાં જતા હોય છે. જોકે, શહેરમાં હોટલ-રેસ્ટોરાંમાં સ્વચ્છતા અને હાઈજેનિક ફૂડ મળે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.