અમદાવાદ : ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગુરુના વિદ્યાર્થી જીવનમાં મહત્વ વિશે પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા. આ સમયે સમગ્ર વાતાવરણ ભાવમય બન્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંગેનું માર્ગદર્શન શાળાના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલે આપ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગુરુપૂર્ણિમાના અંતર્ગત આજરોજ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુર શ્લોક ગાન સાથે વિદ્યાર્થીઓ દ્વારા કંકુ તિલક અને ગુલાબનું પુષ્પગુચ્છ આપી તમામ શિક્ષકોનો ભાવવિભોર વાતાવરણમાં પૂજન અને વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાલિકાઓએ ગુરુનું મહત્વ અને ગુરુ શિષ્યના સંબંધ વિશે વાત કરી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના મન જીતી લીધા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જાગૃતિબેને જણાવ્યું હતું કે ગુરુના આદર જ જીવનપથ સફળ કરે છે માતા પિતા અને ગુરુજ બાળકોના હિતેચ્છુ છે, બાળકોના પ્રશ્નોના, બાળકોના હિતમાં ઉકેલ અને સમાધાન આપી શકે છે, તેવી સમજ વિદ્યાર્થીઓને આપી હતી. આ ગુરુવંદના કાર્યક્રમમાં આશરે 300 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.