અમદાવાદ : એક તરફ ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવામા લોકોની નિષ્કાળજી અનેક લોકોના જીવ લઈ રહી છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટની બેદરકારી પર ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. અમદાવાદમાં દ્વિચક્રીય વાહન માટે હેલ્મેટની અમલવારીને લઈ ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ કર્યો છે. જેમાં વાહન ચલાવનારની સાથે સાથે ટુ વ્હીલરમાં પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે
મીડિયા રિપોર્ટ મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ અને ખંડપીઠમાં એક જાહેર હિતની અરજી દરમિયાન ચાલી રહેલી સુનવણીમાં ચીફ જસ્ટિસ દ્વારા અમદાવાદના ટ્રાફિક તેમજ તેની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી.ગુજરાત હાઇકોર્ટે તંત્રને 15 દિવસની અંદર હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે કડક આદેશ આપ્યા જેમાં ન માત્ર વાહન ચલાવનાર પરંતુ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.ચીફ જસ્ટીસ નું કહેવું હતું કે અમદાવાદ હવે મુંબઈ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે રાત્રે 3:00 વાગ્યા સુધી શહેરના રસ્તાઓમાં અવરજવર મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે.
વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે. 15 દિવસ બાદ ગુજરાત હાઇકોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે જેમાં આ પંદર દિવસ દરમિયાન થયેલી કામગીરી પર કોર્ટ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી શકે છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ વાહનચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.