અમદાવાદ: સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો ભણાવ્યા વગર લાંબી રજા પર ઉતરી વિદેશ પહોચી ગયા હોવાની ઘટના બાદ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં સરકારી શાળાના નોકરી ચાલી રાખીને લાંબા સમયથી વિદેશમાં રહેલા શિક્ષકોના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે બાદ શિક્ષણમંત્રીએ આ પ્રકારના શિક્ષકો સામે તપાસના આદેશ આપ્યા હતા. આ વચ્ચે હવે અમદાવાદ શહેર અને જિલ્લામાં 14 જેટલા શિક્ષકો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે. જેમાંથી 11 શિક્ષકો તો વિદેશમાં જતા રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શિક્ષણ વિભાગની સૂચના બાદ અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર હોવાનું સામે આવ્યું. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. તો અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઇ વિદેશ જતા રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 8 પૈકી 7 શિક્ષક હાલ વિદેશમાં છે. 7 શિક્ષક 9 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર રહ્યા હોવાનું આવ્યું સામે છે. બે શિક્ષકોની રાજીનામા અંગે કાર્યવાહી થઈ રહી છે. TPO મારફતે જાણ કરાતા શિક્ષકોએ રાજીનામું મોકલી આપ્યું છે. જેથી હાલમાં રાજીનામું મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
શિક્ષકોને કેટલી રજાઓ મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે?
શિક્ષકોને શૈક્ષણિક વર્ષમાં 15 પરચૂરણ રજા મળવાપાત્ર હોય છે, જેને શાળાના વડા મંજૂર કરે.
અર્ધ પગારી 20 રજાઓ શિક્ષકોને મળવાપાત્ર છે, કેરી ફોરવર્ડ થયેલી રજાઓ પૈકી પ્રથમ 15 દિવસ શાળાના વડા રજા મંજૂર કરે છે.ત્યાર બાદની શાળા-સંચાલક મંજૂર કરી શકે.
બિનપગારી રજા નોકરી દરમિયાન વધુમાં વધુ 36 મહિનાની મળી શકે. ચાર મહિનાથી ઓછી રજા શાળા-સંચાલક અને તેથી વધુની રજા જિલ્લા શિક્ષણ અધિકારી મંજૂર કરે.
15 દિવસની હક રજાઓ મળવાપાત્ર છે, રજા મંજૂર કરવાનો હક આચાર્ય અને સંચાલકોને છે.
15 દિવસની પેરેન્ટલ લીવ મળે, જેને સંચાલક મંજૂર કરે છે.
મહિલા શિક્ષકને 135 દિવસની મેટરનિટી લીવ મળવા પાત્ર છે.
શિક્ષકોની કેરી ફોરવર્ડ થયેલી રજાઓ 15 દિવસ સુધીમાં આચાર્ય, ત્રણ મહિના સુધીની સંચાલક મંડળ મંજૂર કરે છે. ચાર મહિનાથી 9 મહિના સુધીની રજા શિક્ષણ અધિકારી મંજૂર કરે. 9 મહિનાથી વધુની રજા નાણાં વિભાગ મંજૂર કરે છે.