અમદાવાદ : પાર્કિંગ શહેરની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. મ્યુનિ.એ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં પાર્કિંગ પ્લાન ઘડવા માટે બે એજન્સીની નિમણૂક કરી પાર્કિંગના સ્થળોનો સરવે કરવાની કામગીરી સોંપી છે. વાહનના પ્રકાર અને પાર્કિંગના વપરાશને આધારે પાર્કિંગ ચાર્જનું માળખું આ એજન્સીઓ તૈયાર કરશે. દિવસે અને રાત્રે પાર્કિંગના વપરશના બે ભાગ પાડી પાર્કિંગ દર અંગે સમીક્ષા કરવાની યોજના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પિકઅવર્સ દરમિયાન પાર્કિંગ ચાર્જમાં મોટા ફેરફાર આવી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સર્વ પ્રથમ પાર્કિંગ પોલીસી હેઠળ રહેણાંક સોસાયટીઓને રાત્રિના સમયે સ્કુલ-બેંકો તથા કોમર્શીયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ વાપરવાની છુટ્ટ મળશે.અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાર્કિંગમાં શેરિંગ કોન્સેપ્ટ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શિક્ષણ સંસ્થાનો, બેંકો તથા કોમર્શીયલ કોમ્પ્લેક્ષની પાર્કિંગ જગ્યાઓ રાત્રે ખાલી રહેતી હોય છે.
આસપાસની સોસાયટીના લોકો ભાડુ ચુકવીને તેનો ઉપયોગ કરી શકે.શહેરના ત્રણ ઝોનમાં પાર્કિંગ પ્લાન ઘડવા માટે બે એજન્સીની પણ નિમણુંક કરવામાં આવી છે. ઓન સ્ટ્રેટ તથા ઓફ સ્ટ્રીટ પે-એન્ડ પાર્ક જગ્યાઓ નકકી કરવામાં આવશે. વધુ, મધ્યમ તથા ઓછા પાર્કિંગની જરૂરીયાત ધરાવતા સ્થળો નક્કી કરીને તેના આધારે પાર્કિંગ ચાર્જ નક્કી થશે.
આડેધડ પાર્કિંગ અને દબાણોને કારણે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે. કોર્પોરેશન તંત્ર સમસ્યાનો હલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. જ્યારે હવે નવી નીતિની પટેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ઓક્ટોબર-2021માં અમદાવાદ માટે નવી પાર્કિંગ પોલીસીને મંજુરી આપી હતી. 2023માં પાર્કિંગ કાયદો ઘડવામાં આવ્યો હતો.
સલાહકાર એજન્સીઓને ત્રણેય ઝોનમાં જુદા-જુદા 19 પાસા-મુદાઓ પર રીપોર્ટ સોંપવા કહેવાયું છે જેમાં ટ્રાફિક અને પાર્કિંગનો સર્વે કરવા પાર્કિંગ ઝોન માટેના સ્થળો સુચવવા, પાર્કિંગ ચાર્જ નક્કી કરવા, પાર્કિંગ શેરીંગનો કોન્સેપ્ટ તૈયાર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.વિશ્વસ્તરે પાર્કિંગ પોલીસીના આધારે સ્ટ્રેટેજી તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું છે.