અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રાજયમા દ્વિચક્રી વાહન ધારકોને સલામતી માટે હેલ્મેટ ફરજીયાતનાં નિયમોનો અમલ કરવા રાજય સરકાર પર દબાણ વધાર્યું છે. હાઈકોર્ટ ઈચ્છે છે કે લોકો ખાસ કરીને કોઈ અન્ય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભારે ટ્રાફીક સહીતના ક્ષેત્રમાં દ્વિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરે તો અકસ્માત સમયે તેઓનાં જીવન બચી શકે છે.ગંભીર ઈજા પણ અટકે છે તેથી જ હવે આ માટે હાઈકોર્ટમાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા છે. તો રાજય સરકાર હવે તેની તમામ કચેરીઓનાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાતનો નિયમ અમલમાં મુકી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હેલ્મેટના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ શુક્રવારે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ એવું મૌખિક નિવેદન કર્યું હતું કે,‘હાઇકોર્ટના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર કર્યો છે, એવી જ રીતે સરકારી અને મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગેનો પરિપત્ર કરાશે. જેથી એક દાખલો બેસી શકે અને સામાન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લે.
સરકારની તમામ કચેરીઓ સરકારી નિગમો અને સરકારી શાળાઓ-ગ્રાન્ટેડ શાળાઓને પણ તેમાં આવરી લેવાશે. હાઈકોર્ટ જે દ્વિચક્રી વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યા હોય તે આપોઆપ માર્ગ પરનાં સીસીટીવીમાં ઝડપાય જાય અને તેની ઈ-ચલન મળે તે જોવા પર સરકારને જણાવ્યું છે.ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ મુદ્દે સરકારને અનેક વખત નિયમનો અમલ કરવા તાકીદ કરી છે. અને ટકોર પણ કરી છે કે ગંભીરતા સમજયા પછી પણ કોઈ હેલ્મેટ પહેરવા માગતુ નથી અને સરકાર પણ તેમાં ગંભીર નથી.