અમદાવાદ : અમદાવાદમાં રામોલ પોલીસ દ્વારા કરવામાં આવેલા તોડ મામલે પોલીસ એક્શન આવી છે. ઝોન 5 ડીસીપી દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ ખુમાનસિંહ દાનાભાઈને સસ્પેન્ડ કરાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસકર્મી સાથે તોડ કરનાર અન્ય 2 વ્યક્તિઓ ખાનગી હતા. જેમની સામે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 5 નવેમ્બરના રોજ વડોદરાના રહેવાસી વૃદ્ધ શિક્ષક દંપતી વિયેતનામથી ફરીને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાર બાદ ટેકસી ભાડે કરીને વડોદરા જવા સારું નીકળ્યા હતા. તે સમયે રામોલ રિંગરોડ પાસે આવેલા અદાણી સર્કલ નજીક રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ વાહન ચેકિંગના બહાને વૃદ્ધ દંપતીની ગાડીને રોકીને ચેકિંગ શરુ કર્યું હતું. ચેકિંગ દરમિયાન 3 વિદેશી દારૂની બોટલો મળી આવતા ઘેલમાં આવી ગયેલા રામોલ પોલીસના કર્મીઓએ વડોદરાના દંપતી દીપક શાહ અને તેમના પત્ની નિશાબેન શાહને કાયદાનો ડર બતાવવા લાગ્યા હતા. અને તેમની પાસેથી રૂપિયા 12 હજાર તથા 400 અમેરિકન ડોલર તથા પરમિટવાળી વિદેશી દારૂની 3 બોટલો પડાવી લીધી હતી. ડીસીપી ઝોન-5એ એસીપી કૃણાલ દેસાઈને તપાસ સોંપી હતી.
ઝોન 5 ડીસીપી દ્વારા રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે તપાસનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટના આધારે અન્ય વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ મામલે ભોગ બનનાર દંપતીએ પોલીસ ફરિયાદ કરવાનો પણ ઇનકાર કર્યો છે જેથી ખાતાકીય તપાસ જ કરવામાં આવશે.