25.5 C
Gujarat
Wednesday, January 22, 2025

ગાંધીનગર હાઈવે પર આ સર્કલ પર બ્રિજ નિર્માણને લીધે ડાયવર્ઝન તૈયાર કરાયું

Share

ગાંધીનગરઃ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. એપોલો સર્કલ પાસે એસપી રિંગ રોડ જંકશનને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આથી એપોલો સર્કલ પર કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું કામ શરૂ થતાં જ હવે એપોલો સર્કલ પર ડાયવર્ઝન આપવા વૈકલ્પિક માર્ગ તૈયાર કરી દેવાયો છે, સર્કલના ચારેય રસ્તાઓ પર સર્વિસ રોડ પણ બનાવી દેવાયા છે. કેબલ સ્ટેન્ડ બ્રિજનું કામ બે વર્ષ ચાલશે, એટલે બે વર્ષ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર હાઈવેથી એરપોર્ટ રોડ અને સરદાર પટેલ રિંગ રોડ પરના મહત્વના જંક્શન એપોલો સર્કલ બે વર્ષ સુધી બંધ રાખવામાં આવશે. આ માર્ગ પરના તમામ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવશે. આ માટે સર્કલના ચારેય તરફના રોડ પર ખાસ સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંથી પસાર થતાં રોજના 1.24 લાખ વાહનોને બે વર્ષ સુધી ડાયવર્ઝન રૂટ પર પસાર થવું પડશે. કેબલ સ્ટેડ બ્રિજનું કામ શરૂ થઇ જશે જે પૂર્ણ થયા બાદ અંડરપાસ પણ બનાવવામાં આવશે. જેમાં બે વર્ષ સુધીનો સમય લાગશે. એપોલો સર્કલ પરથી પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા ડાયવર્ઝન રૂટ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે આજથી અમલી બનાવી દેવાયો છે. વૈષ્ણોદેવીની જેમ હવે સરદાર પટેલ રિંગ રોડ પર એપોલો જંક્શન ખાતે પણ થ્રી- લેયર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલી બનશે. અહીં હાલનો મુખ્ય માર્ગ ઉપરાંત કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસ એમ ત્રણ વ્યવસ્થા રહેશે. આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્રણેક વર્ષ વિલંબ થયા બાદ હવે કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એપોલો સર્કલ પર ટ્રાફિકના નિયમન માટે માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના વિભાગ, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર પોલીસ અને ઔડાએ સંયુક્ત રીતે ડાયવર્ઝન રૂટ તૈયાર કર્યો છે. ડાયવર્ઝન માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરથી ભાટ સર્કલ સુધીના રોડ પર 1 કિલોમીટર લાંબો સર્વિસ રોડ ઉપરાંત સર્કલની ફરતે પણ સર્વિસ રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના લોકો અમદાવાદમાં નરોડા, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારો તેમજ વડોદરા એક્સપ્રેસ હાઇવે તરફ જવા માટે હાલ એપોલો સર્કલથી રીંગરોડનો ઉપયોગ કરે છે. આ વિસ્તારમાં ડાયવર્ઝન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ ગાંધીનગરથી આ વિસ્તારોમાં જતા વાહનચાલકોને ગિફ્ટ સિટી અથવા લવારપુર થઇને નાના ચિલોડા તરફનો માર્ગ પસંદ કરવા ભલામણ કરવામાં આવી છે. જેથી વાહનચાલકોનો સમય પણ બચશે અને એપોલો સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles