અંબાજી :યાત્રાધામ અંબાજીમાં 13મી જાન્યુઆરીને પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 32મા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાશે. નગરજનો સહિત વિશ્વ ભરના માઈ ભક્તો આરાધ્ય દેવીના દર્શનાર્થે ભક્તિમય રીતે જોડાશે. આ ઉપરાંત અંબાજી નગરના માર્ગો પર ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરુઢ થઈ મા જગતજનની અંબા નગરયાત્રાએ નીકળશે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે જ્યોતયાત્રા, શોભાયાત્રા-સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, દર્શન વ્યવસ્થા, ભોજન, સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવશે. મા અંબાના પ્રાગટય દિવસે મા અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઈભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવશે.
પોષી પૂનમના દિવસે સવારે 10:30 કલાકે અંબાજી મંદિરના શક્તિ દ્રારથી મા અંબાને હાથી ઉપર બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવશે, જે આખા નગરમાં ફરશે. આ દરમિયાન શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે. જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગર યાત્રા કરવામાં આવશે. શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે.
માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરના શક્તિ દ્વારે આરતી કરવામાં આવશે ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોઈ ધાર્મિક દૃષ્ટિએ તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઈભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લીધે આ દિવસે મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે.