અમદાવાદ : સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મુદ્દે પરિવારનો આક્ષેપ છે કે, શાળાના શિક્ષકોના ટોર્ચરને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.શાળામાં ફી ભરવાની બાકી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસ ટોયલેટની બહાર ઊભી રાખીને સજા કરવામાં આવી હતી.જેના કારણે વિદ્યાર્થીનીને મનમાં લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે.ત્યારે આ ઘટના બાદ અમદવાદનું શિક્ષણ વિભાગ પણ જાગ્યું છે અને અમદાવાદ શહેર DEO દ્વારા શહેરની તમામ સ્કૂલોને બાકી ફી બાબતે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપવા કડક આદેશ કરવામા આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ પરિપત્ર કરીને તમામ સ્કૂલોના સંચાલક અને આચાર્યને જણાવ્યું છે કે, કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને પરીક્ષામાં ના બેસાડવા, હોલ ટિકિટ ના આપવા અને પરિણામ ના આપવા જેવી ફરિયાદ આવતી હોય છે. સ્કૂલ દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીના માનસ પર વિપરીત અસર થાય છે. સ્કૂલોએ ફી બાકી અંગે વાલી સાથે જ રજૂઆત કરવાની રહેશે. વિદ્યાર્થીની ફી બાકી હોવા છતાં પરીક્ષામાં બેસાડવા, હોલ ટિકિટ આપી અને રિઝલ્ટ પણ આપવાનું રહેશે. ફી બાકી હોય તો આ અટકાવી શકાશે નહીં.
સ્કૂલ દ્વારા અઘટિત કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓના માનસપટલ પર વિપરીત અસર થાય છે. જેના કારણે વિદ્યાર્થીઓ માનસિક રોગના પણ ભોગી બની શકે છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવશે અને કોઈ સ્કૂલ અંગે કોઈ ફરિયાદ મળશે તો તે અંગે તપાસ કરીને નિયમ મુજબ શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે. તમામ સંચાલકો અને આચાર્યએ પોતાના શિક્ષકોને પણ આ બાબતે સૂચના આપવાની રહેશે.