અમદાવાદ : આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. દુનિયાભરમાં આજના દિવસે યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગુજરાતમાં પણ અલગ અલગ 75 જેટલાં મહત્ત્વના સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ. ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હજારો લોકોની સાથે મળીને યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. સાથે આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોને યોગ કરીને ફિટ રહેવાની સલાહ આપી.
રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે 75 સ્થળ પસંદ કરાયા છે. તેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 22 પ્રવાસન સ્થળ, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌંદર્યધામ સામેલ છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત અંદાજે 1.5 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા છે.