ગાંધીનગર : ગુજરાતમાં એકમાત્ર ગિફ્ટ સિટી છે જ્યાં દારૂની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી વિસ્તારમાં નશાબંધીના અમલમાં વધુ કેટલીક છૂટછાટો જાહેર કરવામાં આવી છે. પરંતું હવે ફરી દારૂની પરમિટમાં કેટલીક છૂટછાટ આપતા નિર્ણયો લેવામાં આવ્યો છે. આ કારણે ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને દારુ પીવાની છૂટ મળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની છૂટમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. પહેલા કર્મચારીઓ અને તેમના મહેમાનો માટે કામચલાઉ દારૂની પરમિટ માટે લાંબી પ્રોસેસ કરવી પડતી હતી. પરંતું હવે નવા જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુસાર, 15 એપ્રિલ, 2025 થી હવે કર્મચારીઓ અને મુલાકાતીઓને વધુ છુટછાટ આપવામાં આવી છે. હવે કર્મચારી જાતે જ પરમિટ મેળવી શકશે.
હવેથી કર્મચારી પોતે જ 5 લોકોની વિગત સાથેનું ફોર્મ ભરી દારૂની પરમિટ અપાવી શકશે. ગ્રુપ પરમીટમાં જેની પાસે મંજૂરી છે તેમણે અલગથી મંજૂરી લેવાની જરૂરી નથી. ગ્રુપ પરમીટમાં હવે પોતાની કંપનીમાં પણ દારૂનું સેવન કરી શકાશે. અગાઉ કંપનીના એચ આર જેની ભલામણ કરે તેને જ 2 વર્ષની પરમિટ આપવાની જોગવાઈ હતી. કંપનીના મુલાકાતીઓ માટે પણ એચ આરની ભલામણ ચિઠ્ઠીની જોગવાઈ હતી. ગ્રુપ પરમીટમાં ગિફ્ટ સિટીમાં માત્ર 2 જ સ્થળે છૂટછાટ હતી.
ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023માં ગિફ્ટ સિટી માટે આ નિયમમાં કેટલીક છૂટછાટ આપી હતી, જેના પરિણામે સરકારને લાખો રૂપિયાની આવક થઈ છે.