અમદાવાદ : ગુજરાત સરકાર 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બિડિંગની તૈયારીઓમાં ઝડપથી આગળ વધી રહી છે. આ ભવ્ય આયોજનના ભાગરૂપે, અમદાવાદના મોટેરા વિસ્તારમાં વિશ્વ-કક્ષાનું ઓલિમ્પિક સ્ટેડિયમ અને સંકુલ બનાવવાની યોજના ઘડાઈ છે. આ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા ત્રણ આશ્રમોને નોટિસ ફટકારી છે. મોટેરાના આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ એ ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, કલેક્ટર દ્વારા જારી કરાયેલી નોટિસમાં આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને તેમના કબજા હેઠળની 140 એકર જમીન ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આસારામ આશ્રમની ગેરરીતિઓએ ખાસ ચર્ચા જગાવી છે, કારણ કે આશ્રમે સરકારી જમીન પર અનધિકૃત બાંધકામો કર્યા હોવાનું સરકારનું કહેવું છે. વધુમાં, આશ્રમ દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટના ઉદ્દેશ્યોને બદલે વ્યાપારી પ્રવૃત્તિઓ માટે જમીનનો ઉપયોગ કરાયો હોવાનું પણ સ્પષ્ટ થયું છે. આવા આરોપોને પગલે, સરકારે આશ્રમ સામે કડક વલણ અપનાવ્યું છે.
ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ઔડાના સીઈઓ અને અમદાવાદ જિલ્લા કલેક્ટરની ત્રણ સભ્યોની સમિતી જમીન સંપાદનનું વળતર નક્કી કરવા માટે બનાવી છે. આસારામ આશ્રમના કિસ્સામાં સરકાર કોઈ વળતર આપે એવી શક્યતા નથી કેમ કે આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે આસારામ આશ્રમને સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદેસર બાંધકામ કરવાનો આક્ષેપ મૂકીને નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત આસારામ આશ્રમે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને વિશ્વભંગ કર્યો હોવાનું પણ કલેક્ટરનો આક્ષેપ છે તેથી ઓસારામ આશ્રમને કોઈ વળતર ના આપવું જોઈએ એવો સમિતિનો મત છે.
અન્ય બે આશ્રમો—ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ—ના કિસ્સામાં વળતરની ચર્ચા ચાલી રહી છે, અને સમિતિ આ અંગે યોગ્ય નિર્ણય લેશે. જોકે, આસારામ આશ્રમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ આ બાબતે સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું છે.
ગુજરાત સરકાર અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવી રહી છે કે જેમાં ઓલિમ્પિક ગેમ્સની કક્ષાના સ્ટેડિયમ હશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની પાસે ઓલિમ્પિક વિલેજ કરવા કહી દેવાયું છે. આ 140 એકરમાંથી 85 ટકા જમીન તો આશારામ આશ્રમની જ છે. કુલ 140 એકર જમીનમાંથી આસારામ આશ્રમ પાસે લગભગ 120 એકર જમીન છે.
ગુજરાત સરકારે ઓલિમ્પિક્સના આયોજન માટે 650 એકર જમીનમાં વિશાળ કોમ્પલેક્સ બનાવવાનો ઓલિમ્પિક માસ્ટર પ્લાન બનાવ્યો છે. મોટેરા, સુઘડ, ભાટ અને કોટેશ્વર એમ ચાર ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન કરાશે.