અમદાવાદ : અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદ BRTSમાં સિનિયર સિટીઝ ફ્રી મુસાફરી કરી શકશે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં BRTS બસમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે મફત મુસાફરી, યુવાનો માટે AMC નવી સ્ટાફની ભરતી, સ્ટ્રીટ લાઈટોની સમસ્યાનું નિરાકરણ, દિવાળી બાદ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન અને ઘરવિહોણા લોકોને આશ્રય આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદમાં BRTS બસના મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનોની મફત મુસાફરીની વયમર્યાદામાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. 75 વર્ષની વયમર્યાદા ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે, જેથી હવે વધારે લોકો શહેરમાં મફત મુસાફરી કરી શકશે. આ પહેલા 75 વર્ષ બાદ મફત મુસાફરી BRTS બસમાં કરી શકાતી હતી, જો કે હવે 65 વર્ષ બાદ મફત મુસાફરી કરી શકાશે. આ સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને 40 ટકા ખર્ચથી પાસ મળતા હતા પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે. જો કે તમામ મુસાફરોએ દર વર્ષે પાસને રીન્યુ કરાવવાનો રહેશે.
આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC) ભરતીની પ્રક્રિયા થોડા સમયમાં શરૂ કરવામાં આવશે. AMCમાં નવી સ્ટાફ ભરતી આશરે નવા 2500 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. AMCમાં વિવિધ વિભાગમાં એન્જિનિયર , ગ્રેજ્યુએટ, ITI અભ્યાસ કરેલા લોકોની ભરતી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં AMCમાં 24,000 કર્મચારીઓ હાલ કાર્યરત છે, તેના 15% લેખે 2500 નવી ભરતી કરવામાં આવશે.