અમદાવાદ : AMC ની મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા સત્તાધારી પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. પ્રિ મોન્સુન કામગીરીમાં તંત્રની નિષ્ફળ હોવાનો મુદ્દો બેઠકમાં જોરશોરથી ચગ્યો હતો. સાથે જ આજે બોર્ડમાં મેયરનાં રાજીનામાંની માંગ કરવામાં આવી હતી એટલું જ નહિં લઠ્ઠાકાંડનો મુદ્દો પણ બોર્ડમાં ગરમાયો હતો.
બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા કાળા વસ્ત્રો અને બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને જે રીતે અનુમાન હતું તે જ રીતે કોંગ્રેસ દ્વારા પ્રિ મોન્સુન કામગીરી માટે તંત્રની ઝાટકણી કરવામાં આવી. વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ કે પાણી નહીં ભરાય. રસ્તા નહિ તૂટે તેવા દાવા પોકળ સાબિત થયા છે. કરોડોનો ખર્ચ કરવા છતાં શહેરની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. બીજી તરફ લઠ્ઠાકાંડને લઈ શોક ઠરાવની માંગ પણ કરાઈ હતી.
વિપક્ષ નેતા શહેજાદ પઠાણના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન પાસે સામાન્ય સભામાં તમામ મુદ્દા માટે કોઈ જવાબ જ નથી. ભારતીય જનતા પાર્ટીના રાજના વિકાસ પાતાળમાં જતો રહ્યો છે એક જ વરસાદની અંદર એક જ વરસાદની અંદર સ્માર્ટ સિટી ડૂબી રહી છે. 9000 કરોડનું બજેટ હોવા છતાં પણ અમદાવાદ શહેરની આ પરિસ્થિતિ છે. અમદાવાદ શહેરના શહેરીજનોનું 50 કરોડથી પણ વધારે મોટું નુકસાન થયું છે જેને કારણે શહેરના મેયરે રાજીનામું આપવું જોઈએ.