અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટને લઈને રહીશો રિડેવલોપમેન્ટ પોલીસીમાં ફેરફારને લઈને ચૂંટાયેલ પ્રતિનિધિઓ થી લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશ્નર સુધી રજૂઆત કરી ચૂક્યું છે પરંતુ વર્ષો જૂના પ્રશ્નો અને માગણીઓની વારંવાર રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ નહિ આવતા હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા ગત સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજુઆત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના 40 થી વધુ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લઇ હાઉસીંગના રહીશો માટે રિડેવલપમેન્ટ પોલીસીમાં પ્રજાલક્ષી ફેરફાર અંગે અને મકાનના દસ્તાવેજમાં વધારાનાં બાંધકામનાં રાહત પેકેજમાં માફી અંગેની રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડની જૂની યોજનાઓમાં 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો હતો.
હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્યો સંદીપ ત્રિવેદી, વિશાલ કંથારીયા, મનુભાઈ ચૌધરી, રમેશભાઈ શર્મા, પ્રવિણકુંવરબા ગોહીલ, વિષ્ણુભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની રજૂઆત મુખ્યમંત્રીએ સાંભળી હતી અને દરેક પ્રશ્નોનું સુખદ સમાધાન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું.