અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાના સમયમાં મંગળવારે (16 સપ્ટેમ્બર, 2025) દિવસ પૂરતો ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યની તમામ પ્રાથમિક શાળાનો સમય સવારનો રહેશે, જેનું કારણ રાજ્યભરમાં યોજાનાર વિશાળ મહા રક્તદાન શિબિર છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ,રાજ્યના શિક્ષણ વિભાગના નવા આદેશ મુજબ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે શાળાઓ ત્રણ કલાક વહેલી પૂર્ણ થઈ જશે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘ દ્વારા આ દિવસે રાજ્યવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યમાં શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ શકે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી શકે તે હેતુથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવ્યો છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યના શિક્ષણાધિકારીઓ અને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે 16 સપ્ટેમ્બરના રોજ શાળાઓમાં એક દિવસ માટે સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓને મહારક્તદાન શિબિરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જાહેરનામું સારવાર તરીકે તમામ જિલ્લાઓ અને શાળાઓને મોકલવામાં આવ્યું છે.
આ નિર્ણય દ્વારા શિક્ષણ વિભાગે શિક્ષકોના સામાજિક કાર્યોને પ્રોત્સાહન આપ્યું છે અને તેમને રક્તદાન જેવા ઉમદા કાર્યમાં ભાગ લેવા માટે પૂરતો સમય પૂરો પાડ્યો છે. આ આદેશનું પાલન કરવું તમામ પ્રાથમિક શાળાઓ માટે ફરજિયાત છે. આ જાહેરાત શિક્ષકો અને વાલીઓ બંને માટે રાહતરૂપ બની રહેશે.