અમદાવાદ : અમદાવાદ શહેરમાં વિચિત્ર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં હોન્ડાકારના ચાલકે બેફામ સ્પીડે વાહન હંકારીને બે એક્ટિવાને ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા સવાર બે લોકો ગાડી નીચે ફસાઇ ગયા હતા. બંનેને મહામહેનતે સ્થાનિકોએ બહાર કાઢીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડ્યા હતા. જો કે ગાડી ચાલકને ઝડપી લઇને પોલીસને હવાલે કર્યો છે. સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 14 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કુબેરનગરના બંગ્લા એરિયાથી સૈજપુર-બોઘા જવાના રોડ પર વિશાલ અશોકભાઈ મોટવાણી એક્ટિવા લઇને પસાર થતા હતા. ત્યારે બંગ્લા એરિયા નજીક પુરઝડપે આવી રહેલ કારચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. બાદમાં કારચાલકે અન્ય એક એક્ટિવાને પણ અડફેટે લીધી હતી. બંને એકટીવાના ચાલકો ગાડીના નીચે આવી ગયા હતા. સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેઓને બહાર કાઢ્યા હતા.
જેમાં હેમંતભાઈ લાલવાણી અને જયભાઇ તથા વિશાલભાઇને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇને કારચાલકને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. કારચાલકનું નામ ભરત શાહ શાહીબાગમાં રહેતો હોવાનું સામે આવ્યુ હતુ અને નવરંગપુરામાં જનવિકાસ ટ્રસ્ટમાં ડ્રાઇવરની નોકરી કરે છે.
અકસ્માતગ્રસ્ત કારમાંથી બે સ્પ્રેની બોટલ અને એક પીળા કલરનું પ્રવાહી ભરેલ બોટલ મળી આવી હતી જેને લઇને એફએસએલમાં મોકલવામાં આવી છે. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.