અમદાવાદ : ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં બનેલા લૂંટ અને હત્યાના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચે આ ગુનાને અંજામ આપનાર આરોપી વિપુલ પરમારની ધરપકડ કરી લીધી છે. આરોપી વિપુલના રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.આ સફળતા બાદ ક્રાઈમ બ્રાંચે રાહતનો શ્વાસ લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક પોતાના બર્થ ડે નિમિત્તે યુવતી સાથે મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે સેલિબ્રેશનમાં મસ્ત હતો. આ દરમિયાન એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણીનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીનમુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઊભાં રહેતાં પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખસે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈપણ યુગલને જોતાં જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.
આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચની 5 ટીમ કામે લાગી હતી. આ કેસનું ડિટેક્શન પીઆઇ મેહુલ ચૌહાણની સ્કવોડે કર્યું છે. પીઆઇ મેહુલ ચૌહાણની ટીમમાં પીઆઇ જયેશ મકવાણા, પીઆઇ માધુરી ગોહેલ, પીઆઇ આઈ.એન ઘાસુરા દિવસ-રાત કામે લાગ્યાં હતાં. ત્યારે બેથી ત્રણ દિવસ શોધખોળ બાદ આરોપીને રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી ઝડપ્યો છે.માધુરી ગોહેલ 2017ની બેચના PSI હતા. થોડા સમય અગાઉ જ તેમનું પીઆઇ તરીકેનું પ્રમોશન આવ્યું છે.