અમદાવાદ : સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને નવરાત્રિમાં શક્તિની આરાધનાનું અનેરું મહત્વ છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓએ તેમની પ્રતિભાના દમ પર નવી ઉડાન ભરી છે. ગુજરાત સરકાર સપનાંની ઉડાન ભરવા માગતા યુવાનો, ખાસ કરીને મહિલાઓની હંમેશા પડખે રહી છે અને વિવિધ યોજનાઓ હેઠળ તેમને પ્રોત્સાહન આપતી રહી છે. અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે- ‘અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના’. આ યોજનાની મદદથી અમદાવાદ જિલ્લાની વિધિ પરમારે પાઇલટ બનવાનું સપનું પૂરું કર્યું છે.
પ્રાપ્ત રીપોર્ટ મુજબ, અમદાવાદના વેજલપુરમાં રહેતી વિધિ પરમારે બાળપણથી જ ખુલ્લા આકાશમાં ઉડવાના સપનાં જોતી કોમર્શિયલ પાઇલટ બની ગઈ છે. આ સિદ્ધિની પાછળ વિધિની મહેનત, ધૈર્ય અને પરિવારનો સપોર્ટ તો છે જ, પણ સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કમર્શિયલ પાઇલટ લાઇસન્સ/ટ્રેઇનિંગ પાઇલટની તાલીમ માટેની લોન યોજનાનો પણ મહત્વનો ફાળો છે.
વિધિ પરમારે કહ્યું, “મને બાળપણથી પાઇલટ થવાનું સપનું હતું. એ સમયે મને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની કોમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના અંગે માહિતી મળી. આ યોજનામાં અરજી કર્યા બાદ વર્ષ 2023-24માં મને અમેરિકાના મિઆમી રાજ્યની ફ્લાઇટ સ્કૂલમાં કોમર્શિયલ પાઇલટ લાયસન્સ (CPL)ની તાલીમ માટે ₹25 લાખની લોન મળી હતી. આ લોનની મદદથી મારું કમર્શિયલ પાઇલટ બનવાનું મારું સપનું પૂરું થઈ શક્યું છે. હાલમાં હું ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપું છું અને મહિને ₹40,000ની આવક મેળવું છું. મેં આ યોજનાની મદદથી મારું સપનું તો પૂરું કર્યું છે, પણ સાથે હું મારા પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ બની છું. આ માટે હું ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કોમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના હેઠળ લોનની રકમ ₹25 લાખ સુધીની લોન વાર્ષિક 4 ટકાના દરે આપવામાં આવે છે. યોજના માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીએ ધોરણ-10/12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય એ જરૂરી છે. કોમર્શિયલ પાઇલટની તાલીમ આ૫નાર દેશ/૫રદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે શરતો નક્કી કરી હોય તે મુજબ તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણ૫ત્રો હોવા જોઇએ. તાલીમાર્થીએ તેમની તાલીમ માટે થનાર ખર્ચનો અંદાજો જે-તે સંસ્થા પાસેથી મેળવી રજૂ કરવાના હોય છે. ભારતમાં તાલીમ માટે રકમમાં ટ્યૂશન ફી તથા અન્ય આનુસંગિક ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે.